Site icon Gramin Today

તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને યોજાઈ:

માર્ગ અકસ્માતો ઓછા થાય તે માટે આવશ્યક પગલા લેવા અનુરોધ કરતા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ

વ્યારા:  તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક આજરોજ કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ તથા માર્ગ અને સલામતિ સમિતિની ઉપસ્થિતિમાં વ્યારા ખાતે યોજાઈ હતી. જેમાં તાપી જિલ્લામાં અકસ્માતોની સંખ્યા ઘટે અને માનવ-જાનહાનિ નિવારવા અંગે વિચાર વિમર્શ કરાયો હતો.

કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તાપી જિલ્લામાં માર્ગ અકસ્માતો ઓછા થાય તે માટે આવશ્યક પગલા લેવા માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, હાઈવેના અકસ્માતો ઓછા થઈ ગયા છે પરંતુ જિલ્લાના રોડ ઉપર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. જે ચિંતાનો વિષય છે. જેના નિવારણ માટે પોલીસ અને આર.ટી.ઓને સંયુક્ત રીતે રાત્રે વિઝિટ કરી વાહનોની ચેકિંગ ડ્રાઈવ કરવા સૂચના આપી હતી. તથા અવેરનેસ કાર્યક્રમ દ્વારા જાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે તાપી જિલ્લામાં હીટ એન્ડ રન જેવા કિસ્સામાં જિલ્લાના ડોલવણ, નિઝરના કેસરપાડા ચાર રસ્તા જેવા મુખ્ય રસ્તાઓ ઉપર સી.સી.ટી.વી.ની જરૂરિયાત હોવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. ટુ વ્હીલ ચાલકોએ હેલ્મેટ અવશ્ય પહેરવાનો આગ્રહ રાખ્યો હતો. તાજેતરમાં જેટલા પણ અકસ્માત થયા તેમાં ચાલકે હેલ્મેટ ન હોતો પહેર્યો.

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એસ.કે.ગામીતે વિગતો આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આર.ટી.ઓ અને પોલીસ વિભાગ દ્વારા જુન-૨૩ માં રોડ સેફટી એન્ફોર્સમેન્ટના કુલ કેસ- ૫૨૪ અને કુલ રકમ રૂા.૧૦,૯૩,૫૦૦ વસુલાત કરવામાં આવી છે. વાહન ચાલકોએ ચૂસ્તપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ.પ્રાણઘાતક અકસ્માત સમયે આર.ટી.ઓ.પોલીસ અને રોડ એજન્સીના અધિકારીઓએ સંયુક્ત ચકાસણી કરી અહેવાલ સત્વરે રજુ કરવો, અકસ્માત મૃત્યુના કિસ્સામાં આર.ટી.ઓ.ના અધિકારીઓએ IRAD માં તાલુકા પ્રમાણે સમયસર પેન્ડન્સીનો નિકાલ કરવો, સાથે પોલીસ વિભાગ દ્વારા પણ IRAD માં રીકવેસ્ટ જનરેટ કરવો જોઈએ.

નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.એમ.જાડેજાએ સૂચન કર્યું હતું કે, ડોલવણ,વ્યારા,કાકરાપાર અને સોનગઢ ઉકાઈ માર્ગ ઉપર અકસ્માત વધુ થાય છે. ટ્રાફિક પણ વધ્યો છે જેથી બે પોલીસ સ્ટેશન વધારવાની જરૂરિયાત છે.

માર્ગ અને મકાન સ્ટેટ કાર્યપાલક ઈજનેરશ્રી મનીષ પટેલે જણાવ્યું હતું કે, ગામડામાંથી આવતા અને મુખ્ય રોડને જોડતા રસ્તાઓ ઉપર પંચાયત વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે.

માર્ગ અને સલામતિ સમિતિની આ બેઠકમાં સહાયક માહિતી નિયામક નિનેશ ભાભોર, ટ્રાફિક ઓફિસર સી.જે.પુવાર, શિક્ષણાધિકારી ધારાબેન પટેલ, આરોગ્ય વિભાગના વહીવટી અધિકારી ભાવેશભાઈ સભ્યોએ ઉપસ્થિત રહી અકસ્માત નિવારવા વિવિધ સૂચનો કર્યા હતા.

Exit mobile version