Site icon Gramin Today

તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાણાકીય વર્ષ 2022-23ના જિલ્લા આયોજન મંડળની બેઠક મળી :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાણાકીય વર્ષ 2022-23ના જિલ્લા આયોજન મંડળની બેઠક પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઇ           

જિલ્લામાં વિકાસ કાર્યો માટેની ગ્રાન્ટ વણવપરાયેલી ન પડી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવા અનુરોધ કર્યો હતો. વધુમાં ગ્રામપંચાયતોના સરપંચો દ્વારા કરવામાં આવતા કામો ન કરવામાં આવે તો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવા તાકીદ કરતા… મંત્રીશ્રી                                      

પ્રજાલક્ષી કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરો :-  શ્રી મુકેશભાઈ પટેલ, તાપી જિલ્લા પ્રભારીમંત્રી                              

 વ્યારા:  તાપી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા આયોજન મંડળ દ્વારા વર્ષ 2022-23 ના વાર્ષિક આયોજન માટેની બેઠક રાજ્યના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સાંસદ પરભુભાઈ વસાવા,ધારાસભ્યશ્રીઓ મોહનભાઈ ઢોડિયા, સુનિલભાઈ ગામીત, પુનાજીભાઈ ગામીત, જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, તમામ તાલુકા પ્રમુખશ્રીઓની ઉપિસ્થિતિમાં યોજાઇ હતી. આ બેઠકમાં રૂ.900 લાખની જોગવાઈઓના કુલ 443 કામોની મંજૂરી આપવામાં આવી હતી.

            તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે બેઠકને અધ્યક્ષતાસ્થાને થી સંબોધતા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને કહ્યું હતું કે,” પ્રજાલક્ષી કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરો ” જિલ્લાના વિકાસના કામો સારી રીતે થાય તે માટે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા/તાલુકા પ્રમુખશ્રીઓની જવાબદારી છે. તમામ પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં થતા કામોની મુલાકાત લઈ નિહાળવા જોઈએ.

            પ્રભારીમંત્રીશ્રીએ જિલ્લાના ધારાસભ્યોશ્રીઓની રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક પ્રતિસાદ આપી સુમેળભર્યા વાતાવરણમાં તેનો ઉકેલ લાવવા માટે સૂચનાઓ આપી હતી. તેમણે આ તબક્કે જિલ્લામાં વિકાસ કાર્યો માટેની ગ્રાન્ટ વણવપરાયેલી ન પડી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવા અનુરોધ કર્યો હતો. વધુમાં ગ્રામપંચાયતોના સરપંચો દ્વારા કરવામાં આવતા કામો ન કરવામાં આવે તો સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ અગાઉના મંજૂર થયેલા પેન્ડીંગ કામો ૧૫મી જૂન સુધીમાં પુરા કરવા કરવા માટે અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.

              બેઠકના ઉપાધ્યક્ષ અને તાપી જીલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે તમામ અમલીકરણ અધિકારીઓ પોતાના ટેકનીકલ સ્ટાફને સાથે રાખીને કામો કરે. રસ્તા,પાણી વિગેરેના કામો શરૂ કરતા પહેલા યોગ્ય ચકાસણી કરીને શરૂ કરવા જેથી સરકારશ્રીના નાણાંનો વ્યય ન થાય.

              જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.પાંડેએ શરૂ ન થયેલા કામો અંગે જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવેલ કામોમાં બચત રકમ, સ્થળ સ્થિતિ અથવા ન થઈ શકે તેવા રદ કરાયેલા કે ફેરફાર કરવાના થતા કામો માટે તાલુકાની સમિતિઓ દ્વારા આવેલી દરખાસ્તને મંજૂર કરવાની સત્તા કલેકટરશ્રીને આપવામાં આવે જેથી કામોમાં વિલંબ ન થાય. 

                 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડિયા, પ્રાંત અધિકારી વ્યારા, નિઝર, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિત જિલ્લા /તાલુકાના પદાધિકારીશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

                                                 

Exit mobile version