Site icon Gramin Today

તાપી જિલ્લાનું ગૌરવ :  આદિવાસી પરિવારનો દીકરો RTO ઓફિસર બન્યો : 

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લાનું ગૌરવ : 

ગરીબ આદિવાસી પરિવારનો દીકરો આર.ટી.ઓ ઓફિસર ક્લાસ-2 બન્યો : 

ઉત્તર બુનિયાદી હિંદલા આશ્રમશાળા, સોનગઢમાં ભણેલો વિદ્યાર્થી અલ્પેશકુમાર પાંજીભાઇ ગામીત પ્રથમ પરીક્ષામાં ક્લાસ-2 અધિકારી બનતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ :

ગરીબીના પથ પર અલ્પેશ ગામીતે શિક્ષણના શસ્ત્ર સાથે ઈજનેર બની પ્રથમ પ્રયાસમાં જ GPSC ની આર.ટી.ઓ ઈન્સ્પેકટરની બે પરીક્ષાઓ પાસ કરી..

કહેવાય છે ને સફળતા પ્રાપ્ત કરવા પરિસ્થિતિ નડતી નથી ફકત નિર્ણય કરવો જરૂરી છે, બાકી સફળતા તમારાં પગો પાસે જ હશે…..

વ્યારા-તાપી:  આજના આધુનિક યુગમાં દરેક પગલે માણસની કસોટી થાય છે. આ સમયે જે વ્યક્તિ ધૈર્ય અને લગનથી પોતાના ધ્યેય પાછળ મંડ્યા રહે છે તેને જ સફળતા મળે છે. આ વાક્યને તાપી જિલ્લાના એક ગરીબ આદિવાસી પરિવારના દિકરાએ સાર્થક કર્યું છે. રાજ્યમા છેવાડાના જિલ્લા તાપીમાં સોનગઢ તાલુકાના મેઢા ગામના ખેડૂતશ્રી પાંજીભાઇ ગામીત અને માતા મોતીલાબેન ગામીતનો ૨૬ વર્ષિય દિકરા અલ્પેશકુમાર પાંજીભાઇ ગામીત આજે સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણારૂપ બન્યા છે. અલ્પેશકુમારે જી.પી.એસ.સી દ્વારા લેવાયેલ વાહન વ્યવહાર વિભાગની ઈન્સ્પેક્ટર ઓફ મોટર વેહીકલ્સ, ક્લાસ-2ની સ્પર્ધાત્મક ભરતી પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં જ ઉત્તીર્ણ થયા છે. 

           અલ્પેશકુમારના પરિવારમાં માતાપિતા અને બે મોટી બહેનો છે. પરિવાર ખેતી દ્વારા ગુજરાન ચલાવે છે. તેમણે હિંદલા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવી ગામમાં જ આવેલ ઉત્તર બુનિયાદી હિંદલા આશ્રમશાળામાં ધોરણ 8 થી 10 પુરુ કર્યું. ધોરણ 10 માં 65 ટકા મેળવ્યા. ઉચ્ચ્તર ભણતર માટે શાળામાં સુરતના દાતાશ્રી વી.કે.રવાણી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભણતર માટે આર્થિક મદદ કરતા જેના પગલે ભાવનગરની પાલીતાણા સ્થિત સ્કુલ જેકુરબેન કુંવરજી રવાણી હાયર સેકન્ડરી સ્કુલમાં ધોરણ 11માં પ્રવેશ મેળવ્યો. તદ્દ્ન ગરીબ પરિવાર હોવાથી દીકરો મોટો થતા ખેતીમાં મદદરૂપ થાય તે માટે માતાપિતા ઉચ્ચતર ભણતર માટે પાલીતાણા મોકલવા સહેજ પણ રાજી ન હતા. પરંતું આશ્રમશાળાના શિક્ષકોએ તેમના માતાપિતાને સમજાવ્યા અને શિક્ષણના મહત્વ અને દિકરાના ઉજ્વળ ભવિષ્ય અંગે સાચા ગુરુ બની માર્ગદર્શન આપ્યુ જેથી માતાપિતા તેને પાલીતાણા ભણતર માટે મુક્વા રાજી થયા. ભણવામાં હોશિયાર અલ્પેશકુમારે 11-12 વિજ્ઞાન પ્રવાહ સાથે 60 ટકા સાથે પાસ કર્યું અને અમદાવાદની એલ.ડી.કોલેજ ઓફ એન્જીનિયરીંગમાં સરકારી ક્વોટામાં ઓટોમોબાઇલમાં ડીગ્રી એન્જીનીયરીંગ મા પ્રવેશ મેળવ્યો. આ દરમિયાન પણ ભણતરના ખર્ચ માટે ગામના માજી સરપંચ મેઢા જૂથ ગ્રામ પંચાયતના ધુળજીભાઇ ગામીતની મદદથી આર્થિક સહાય મળતા પરિવારને થોડી રાહત મળી.

            છેવાડાના અંતરિયાળ ગામમાં રહેતા આદિવાસી પરિવારનો દીકરો ગામથી બહાર નિકળી જ્યારે બહારની દુનિયા નિહાળી અવનવી બાબતો શિખ્યો. નવા મિત્રો બન્યા, ભવિષ્ય બનાવવા માટે કેટલી બધી તકો છે તે અંગે માર્ગદર્શન મળ્યા. આ સમયે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાણયું. સરકારી નોકરી મેળવવા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા આ અંગે વર્ગો ચલાવવામાં આવે છે તે અંગે માહિતી મેળવી. સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોની ફી ખુબ વધારે હોવાથી તે પરવડી શકે તેમ ન હતું. તેથી કોલેજના મિત્રો સાથે અમદાવાદમાં રૂમ ભાડે કરી પરીક્ષાની તૈયારી શરૂ કરી. મિત્રો વર્ગોમાં જતા જયારે અલ્પેશકુમાર સરકારી લાઇબ્રેરીમાં જઇ જાતે જ પરીક્ષાની તૈયારી કરતો. 2019-20માં જી.પી.એસ.સી દ્વારા આર.ટી.ઓ.ઓફિસર ક્લાસ-2 અને ક્લાસ-3ની સ્પર્ધાત્મક ભરતી બહાર પડી હતી. જેમાં ફોર્મ ભરી આ પરીક્ષાને જ લક્ષ્ય સમજી તેની તૈયારીમાં જોતરાઇ ગયો.

         વૈશ્વિક મહામારી કોરોનાના પગલે ભરતી પ્રક્રિયા લંબાઇ અને અમદાવાદમાં રહેવાનું બંધ થતા ઘર પાછા ફર્યા. પરંતું પરીક્ષાના લક્ષ્યને ભુલ્યા નહીં અને કોરોનાના કારણે મળેલા વધારાના સમયને પરીક્ષા માટે ઉપયોગ કરવા લાગ્યા. રોજ લગભગ 12 કલાકથી વધુનું વાંચનનો નિયમ બનાવ્યો. એ સિવાય જો કોઇ વખત માઇન્ડ ફ્રેશ કરવા અન્ય કામ કરવું હોય તો પોતાની આશ્રમ શાળામાં બાળકોને અંગ્રેજી ગ્રામર શિખવવા જતો અને ખેતીમાં નાની મોટી મદદ પણ માતા પિતાને કરતો. સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ ખુબ મોંધા હોઇ પોતાની કોલેજ દરમિયાનના પુસ્તકો અને પોતે તેમાંથી બનાવેલી નોટસને આધારે જ પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી. આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન છે પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કઇ દિશામાં કરવુ તે વ્યક્તિગત હોય છે ત્યારે અલ્પેશકુમાર મોબાઇલ દ્વારા યુ-ટુયબના વિડિયો જોઇ પરીક્ષાની વધારાની તૈયારી કરતો હતો. ક્યારેક ઘરમાં લાઇટ જતી તો કયારેક મોબાઇલ કનેક્ટીવિટી ન મળતી તો કયારેક વડી ઇન્ટરનેટ રીચાર્જના પૈસા ન હતા. આવી અનેક મુશ્કેલીઓમાં પણ પોતાને મક્ક્મ રાખી વડિલો અને સગાસંબંધી પાસે ઉછીના પૈસા લઇ પરીક્ષા પાસ કરવાને ધગશ જાળવી રાખી. અંતે 2021 માં પરીક્ષા લેવાઇ અને ડિસેમ્બર-2021માં ક્લાસ-2નું ઇન્ટર્વ્યું લેવાયું. અલ્પેશકુમારે આ પહેલા કોઇ સ્પર્ધાત્મક પરીક્ષા આપી નથી. અત્રે રસપ્રદ બાબત એ છે કે આ તેમના જીવનની પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા અને પ્રથમ ઇન્ટર્વ્યું હતું. અને વર્ગ-૨ના મૌખિક ઈન્ટર્વ્યુમાં એસટી. કેટેગરીમાં સૌથી વધુ ૧૬ માર્ક મેળવ્યા.

                ડિસેમ્બર માસમાં પ્રથમ આસીસ્ટન્ટ ઈન્સ્પેકટર ઓફ મોટર વેહીકલ ક્લાસ-3નું પરીણામ જાહેર થયુ. અલ્પેશભાઇ કૂલ-૧૩૯.૦૨ ગુણ મેળવી ક્લાસ-3 માં પાસ થયા. ક્લાસ-3 માં પાસ થતા પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. સમગ્ર પરિસ્થિતીમાં પોતાના માર્ગદર્શક એવા આશ્રમશાળાના શિક્ષકોને પરિણામ અંગે જાણ કરી મીઠાઇ સાથે આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે જ ક્લાસ-2 નું પરિણામ જાહેર થયું. અને પોતે કૂલ- ૧૯૭.૩૫ માર્ક ટેકનિકલ પરીક્ષામાં અને ઇન્ટર્વ્યુંમાં 25 માંથી 16 માર્ક મેળવી કુલ- ૨૧૩.૩૫ માર્કસ મેળવી એસટી કેટેગરીમાં ક્લાસ-2 માં પાસ જાહેર થતા જ તેમની સિધ્ધિની યશકલગીમાં વધારો થતા અલ્પેશે બેવડી ખુશી વ્યક્ત કરી હતી.

          આમ એક સામાન્ય પરિવારનો છોકરો આજે જાત મહેનતે અને આત્મવિશ્વાસ અને અથાગ મહેનતના પરિણામે આજે સરકારી નોકરી મેળવવા હકદાર બની સમગ્ર યુવા વર્ગ માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. માહિતી વિભાગ –તાપીની ટીમ સાથે વાતચીતમાં પોતાના પ્રતિભાવ રજુ કરતા જણાવ્યુ હતું કે, “દરેક વ્યક્તિએ કોઇ પણ એક જ ધ્યેય નક્કિ કરીને તેને જ મેળવવા ઝઝૂમવું જોઇએ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઘણા મિત્રો એક સાથે અને ઘણીબધી પરીક્ષાની તૈયારી કરતા હોય છે જેના કારણે એક સાથે ઘણા વિષયો વાંચવા પડે છે. જેના કારણે લક્ષ્ય ખોરવાઇ જાય છે. જો એક જ પરીક્ષાની તૈયારી કરશો તો તેને લગતા અમુક જ વિષયો અસરકારક રીતે વાંચન કરી શકાશે અને રીવિઝન પણ સરળ રહેશે.” 

         પરીક્ષામાં પાસ થવા અંગે માતા-પિતા સાથે વાતચિત કરતા તેઓને ખુબ જ ખુશ હોવાનું અને દિકરાને સરકારી નોકરી મળી જતા તેનુ ભવિષ્ય ઉજ્જ્વળ બનશે તે માટે ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી. 

આજે અલ્પેશકુમાર સમગ્ર તાપી જિલ્લા સહિત યુવાશક્તિ માટે રોલ મોડેલ બન્યા છે. તેઓની સફળતા માટે હિંદલા આશ્રમશાળા પરિવાર, મેઢા ગામ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખુબ ખુબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે. 

Exit mobile version