Site icon Gramin Today

તાપીના મદાવ ગામે ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રિય શ્રમિક દિવસની ઉજવણી કરાઈ: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપીના મદાવ ગામે ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રિય શ્રમિક દિવસની ઉજવણી કરાઈ: 

મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો સાથે સંવાદ કરતા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

વ્યારા:  તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મદાવ ગામે રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને તાપી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવા, કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રિય શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.


“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મનરેગા યોજના હેઠળ મદાવ ગામે તળાવ નિર્માણની કામગીરી કરતા શ્રમિકો સાથે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે સંવાદ કર્યો હતો. શ્રમિકોને મનરેગા હેઠળ રોજગારીના નાણાં સમયસર મળી જાય છે કે કેમ તેમજ સરકારની યોજના હેઠળ મફત અનાજ નિયમિત મળે છે અને આ શ્રમિકોના બાળકો નિયમિત શાળાએ જાય છે કે નહીં તેની પૃચ્છા કરી હતી.
ગ્રામીણ કુટુંબોને ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડનારી ભારત સરકારની યોજનાના ૧૩૦ કામોના ઝડપી અમલીકરણ બદલ મંત્રીશ્રી પટેલે જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓની સારી કામગીરી બિરદાવી હતી. 

તાપી જિલ્લામાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે પ્રભારી મંત્રીશ્રી પટેલે તમામ ગ્રામજનોને અપીલ કરી હતી કે બાળકો આવતી કાલનું ભવિષ્ય છે. તેઓ તંદુરસ્ત તો જ આપણો દેશ તંદુરસ્ત બની શકે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે જિલ્લાના ૭૫ ગામોમાં અમૃત તળાવ બને તેમજ સરકારની યોજના લાભાર્થીઓ સુધી પહોંચે તેવા કામો અધિકારીશ્રીઓ /પદાધિકારીઓ કરી રહ્યા છે. શ્રમિકોને વિમો આપવાની યોજના અમલી છે. દરેક શ્રમિકો આ યોજનાનો લાભ લઈ વિમા કવચથી સુરક્ષિત થાય.
કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત નવા તળાવો બનાવવા,ચેકડેમ ઉંડા કરવા જેવા વોટર હાર્વેસ્ટીંગના કામો કરવામાં આવે છે. જળ અભિયાન દ્વારા સરકારશ્રીનો ઉદે્શ્ય જળ સંચયનો છે. તાપી જિલ્લામાં કુલ ૩૬૭ જેટલા કામો પૈકી ૧૩૪ કામો શરૂ કરાયા છે. બાકીના ૧૦ જૂન સુધીમાં પૂર્ણ થનાર છે. જિલ્લા ગ્રામ વિકાસ,વન વિભાગ,વોટરશેડના મનરેગા હેઠળ ૧૩૦ કામો પૈકી ૧૦૦ કામો શરૂ કરાયા છે. સરકારશ્રીના ફ્લેગશીપ કાર્યક્રમો થકી તાપી જિલ્લાને વિકાસની નવી ઉંચાઈએ લઇ જવા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.


ઉલ્લેખનિય છે કે ચાલુ વર્ષે ૧૪,૦૫૧ કુટુંબોના ૧૮,૦૩૨ શ્રમિકોને રોજગારી પુરી પડવામાં આવેલ છે. જેના થકી ૧.૬૯ લાખ માનવદિન ઉત્પન્ન થયેલ છે. આંતરરાષ્ટ્રિય શ્રમિક દિવસે તાપી જિલ્લામાં મનરેગાના તમામ શ્રમિકોને વેતનનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાંત અધિકારી આર.સી.પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સંગઠન પ્રમુખ જયરામભાઈ ગામીત, વિક્રમભાઈ તરસાડિયા, સુરત ડિસ્ટ્રિકટ કો.બેન્ક ચેરમેન નરેશભાઈ પટેલ, કલ્પેશભાઈ ઢોડિયા, મદાવ સરપંચ મરીયમબેન, સીડીપીઓ વ્યારા,આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આભાર દર્શન જિલ્લા ગ્રામ વિકાસ નિયામક અશોકભાઈ ચૌધરીએ કર્યું હતું. 

Exit mobile version