શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, દિનકર બંગાળ
ડાંગ જિલ્લા સંકલન સમિતિની યોજાઈ બેઠક વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી.
વઘઈ: ડાંગ જિલ્લામાં પાણીની સમસ્યા દુર કરવા માટે વહેતુ પાણી અટકાવવા, જિલ્લાના તમામ નદીઓ ઉપર ચેકડેમના દરવાજા બંધ કરવા માટે જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગ ને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તાકીદ કરી હતી.
ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોરે આગામી દિવસોમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંગેની પુર્વ તૈયારી રાખવા જણાવ્યુ હતુ. તેમજ રાજ્ય વ્યાપી સફાઇ અભિયાન અંતર્ગત કચેરીના રેકર્ડનું વર્ગીકરણ તેમજ જાહેર રસ્તાઓની સ્વચ્છતા હાથ ધરવા માટે ટી.ડી.ઓશ્રીને સુચના આપી હતી.
ઉપરાંત નવાગામવાસીઓના જન્મ-મરણના દાખલા અંગેનો પ્રશ્ન દુર કરવા સંબધિત અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યુ હતુ. તેમજ પી.એમ.વિશ્વકર્મા યોજનામા દરેક પંચાયતોમા ઝુંબેસરૂપે રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવા તાકીદ કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમા, સમિતિના નિયમિત મુદ્દાઓ એવા સરકારી લેણાની બાકી વસુલાત, પડતર તુમાર, પેંશન કેસ, માહિતી અધિકાર અધિનિયમ, નાગરિક અધિકાર પત્ર, સ્વચ્છતા મિશન અંતર્ગત કંડમ વાહનો અને રદ્દી પસ્તીનો નિકાલ, જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચેના પ્રશ્નો, પંચાયત ઈન્ડેક્સ, સરકારી વાહનોના નિકાલની કાર્યપદ્ધતિ, સી.એમ.ડેશબોર્ડ, ગ્રામસભા અને સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો વિગેરેની પણ સૂક્ષ્મ સમીક્ષા હાથ ધરી, જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન અપાયું હતુ.
બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગણીયા, નાયબ વન સંરક્ષક સર્વશ્રી રવિ પ્રસાદ, અને દિનેશ રબારી, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશભાઇ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી એસ.આર.પટેલ સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. બેઠકનું સંચાલન પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલે કર્યું હતું.