Site icon Gramin Today

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારનારા રાજ્યપાલશ્રીના સંભવિત કાર્યક્રમ સંદર્ભે યોજાઈ ઉચ્ચકક્ષાની બેઠક;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુ માહલા

કલેક્ટર શ્રી એન.કે.ડામોરે સંબંધિત અધિકારીઓને આપ્યા સંભવિત મુલાકાત સંદર્ભે દિશાનિર્દેશ ;

આહવા: તા: ૨૫: ગુજરાતના રાજ્યપાલશ્રીની ડાંગ જિલ્લાની સંભવિત મુલાકાત સંદર્ભે હાથ ધરવાની થતી કામગીરી બાબતે જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોરે જિલ્લાના સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા છે.

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેકટર શ્રી ડામોરે રાજ્યના ટ્રાયબલ વિસ્તારની માનનીય રાજ્યપાલશ્રીની મુલાકાત અન્વયે હાથ ધરવાની થતી કામગીરી અંગે સુક્ષ્મ માર્ગદર્શન આપતા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી તેની વિગતો મોકલી આપવા સુચના આપી હતી.

કલેકટરશ્રીએ ખાસ કરીને ખેતી, પશુપાલન, બાગાયત, પાણી પુરવઠા, વન વિભાગ, આદિજાતિ વિભાગ જેવા મહત્વના વિભાગોને તેમના દ્વારા અમલી વિવિધ યોજનાઓ અંગેની વિગતવાર માહિતી તૈયાર કરવાની સુચના આપી હતી.

કાર્યક્રમ સ્થળ સહિત વિવિધ મુલાકાતો વેળા “કોવિદ-૧૯” ના ધારાધોરણની જાળવણી સાથે મુલાકાતીઓ, લાભાર્થીઓના પ્રવેશ પાસ સહિતના મુદ્દે સુક્ષ્મ માર્ગદર્શન આપતા કલેકટર શ્રી એન.કે.ડામોરે રાજ્યપાલશ્રીના નિયત પ્રોટોકોલ અનુસાર હાથ ધરવાની કામગીરી પરસ્પર સંકલન સાથે હાથ ધરવાની પણ સુચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગ્નીશ્વર વ્યાસ અને દિનેશ રબારી એ પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે પુરક વિગતો રજુ કરી હતી. બેઠકમાં નાયબ કલેકટર શ્રી કે.જિ.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.બી.ચૌધરી સહિતના જિલ્લા કક્ષાના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

Exit mobile version