Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કિસાન અને વિજ્ઞાન દિવસ સાથે PM નો ઓનલાઇન ખેડૂત સંવાદ યોજાયો:

 શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત
તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા આજ તા.
૨૫‌/૧૨/૨૦૨૦ના રોજ ‘કિસાન અને વિજ્ઞાન દિવસ’ની ઉજવણી તથા ‘PM-કિસાન સમ્માન
નિધિ યોજના’ અંતર્ગત ખેડૂતોના ખાતામાં સીધાં નાણાં જમા થાય તે માટેનો ઓનલાઈન કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યા
એ બધાં ખેડૂતોને આવકારી આજના દિવસના કાર્યક્રમોનું મહત્વ સમજાવ્યું હતું. ડો. પંડ્યાએ જણાવ્યું
હતું કે આજના દિવસે ભારતના ભૂતપુર્વ વડાપ્રધાન માન. શ્રી અટલ બિહારી બાજપાઈનો જન્મ
દિવસ કિસાન અને વિજ્ઞાન દિવસની ઉજવણી રૂપે ઉજવવામાં આવી રહ્યો છે. ખેડૂતો પોતાની
ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતી-ખર્ચ ઘટાડી ઉત્પાદન વધારે તથા આવક વધુ મેળવે તે
બાબતે ખેડૂતોને હાંકલ કરી હતી. ડો. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ)એ ખેતીવાડીમાં
ICTનો ઉપયોગ કરી કેવી રીતે ખેતીની જાણકારી મેળવવી તે વિશે વિગતવાર સમજ આપી હતી અને
કૃષિક્ષેત્રમાં વિજ્ઞાનનો સમન્વય કરીને ખેડૂતોને ઉત્પાદન અને આવક વધારવા પ્રોત્સાહિત કર્યા હતાં.
પ્રો. કે. એન. રણા વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)એ શિયાળું પાકોમાં વૈજ્ઞાનિક ખેતી તથા ડો. જે. બી.
બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન)એ વૈજ્ઞાનિક રીતે પશુપાલન કેવી રીતે કરવું તે વિષે ખેડૂતોને
માર્ગદર્શિત કર્યા હતાં.

કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૪૦ ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને
માન. વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ લાઈવ નિહાળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. અર્પિત
જે. ઢોડિયા અને આભારવિધિ ડો. જે. બી. બુટાણીએ કરી હતી.

 

Exit mobile version