Site icon Gramin Today

કર્મયોગીઓના સેવાયજ્ઞ થકી “ કોવિદ-૧૯ રસીકરણ અભિયાન” પુર જોશમાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

જીલ્લામાં કર્મયોગીઓના સેવાયજ્ઞ થકી “ કોવિદ-૧૯ રસીકરણ અભિયાન” પુર જોશમાં ચાલી રહ્યું છે, 
સમગ્ર તાપી જિલ્લામાં રસીકરણ અંગે નાગરિકોને સલાહ-સૂચન-માર્ગદર્શન આપતા અધિકારીઓ:

વ્યારા-તાપી.તા.૦૯: હાલ કોવિડ-૧૯ની બીજી લહેર સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોનાની મહામારીમાં રસીકરણ થકી સંક્રમણને રોકવા માટે તથા લોકોને કોરાનાની ગંભીર અસરોમાંથી બચાવવા માટે સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. આ રસીકરણ ઝુંબેશ તાપી જિલ્લામાં વેગવાન બને તે હેતુથી જિલ્લાના ફ્રંન્ટલાઇનર એવા કર્મયોગીઓ સેવાયજ્ઞમાં જોડાઇ ગયા છે.

 
જેમાં તાપી જિલ્લાના કર્મચારી/અધિકારીઓ દ્વારા છેવાડાના ગામેગામ સુધી પહોંચી લોકોમાં પ્રવર્તમાન રસીકરણ બાબતે મુંઝ્વણો અને શંકાઓને દુર કરવા લોકો સાથે પ્રત્યક્ષ વાતચીત દ્વારા સાચી સલાહ-સૂચન અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દિવસ દરમિયાન ઘણા લોકો કામકાજ અર્થે બહારગામ હોવાના કારણે જ્યારે તેઓ સાંજે ઘરે આવે ત્યારે અધિકારી/કર્મચારીગણ દ્વારા રસીકરણ માટે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ કર્મયોગી ભાઇ-બહેનો દ્વારા રાત-દિવસ જોયા વગર તાપી જિલ્લાને “કોરોના મુક્ત” બનાવવા તથા ૧૦૦ ટકા રસીકરણ કરવા “કોવિદ-૧૯ રસીકરણ અભિયાન” આગળ ધપાવી રહ્યા છે.
કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ફ્રન્ટલાઇનર તરીકે આરોગ્ય/પોલિસ અને શિક્ષણ વિભાગ, સરપંચ, તલાટી, આંગણવાડી બહેનો, દુધમંડળીના સભ્યોથી લઇ ગામના આગેવાનો સુધી સૌ આ અભિયાનમાં જોડાઇ ગયા છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર, ખાંજર, મોઘવણ, ઉખલદા, ભીતભુદ્રક તથા નિઝર તાલુકાના વાંકા સુરજીપુરા ગામે, વાલોડ તાલુકાના ધમોડલા, કમળછોડ ગામે, વ્યારા તાલુકાના નગરપાલિકા વિસ્તારોમાં રસીકરણ અંગે માર્ગદર્શન તથા રસી મુકાવવાના કાર્યક્રમ મોડી રાત સુધી અધિકારી-કર્મચારીગણની નિગરાની હેઠળ પાર પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાગરિકોને રસી લીધા બાદ પણ કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સલાહ આપવામાં આવી હતી.
જિલ્લામાં વર્તમાન કોરોના સંક્રમણને નાથવા માટે વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા એક ટીમ તરીકે સંકલન સાધી માઇક્રો પ્લાનીંગ સાથે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એક ધ્યેય પ્રાપ્ત કરવા કામ કરતા તાપી જિલ્લાના કર્મયોગીઓના સેવાયજ્ઞ થકી જિલ્લામાં અત્યાર સુધીમાં ૮૨૯૭૫ નાગરિકોને રસીકરણ હેઠળ આવરી લઈને સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવ્યું છે. જે સરાહાનિય છે. સતત વધી રહેલ કોરોના સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહયા છે ત્યારે જિલ્લાના તમામ નાગરિકો સ્વયં શિસ્ત પાલન સાથે કોરોના પ્રતિરોધક રસી લઇ તાપી જિલ્લાને સંપૂર્ણ સુરક્ષિત બનાવવાની કામગીરીમાં આગળ આવી મદદરૂપ બનવા કલેક્ટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version