Site icon Gramin Today

આધુનિક યુગમાં પણ પ્રાકૃતિક ખેતી કરતો સાગબારાનાં ધવલીવેર ગામનો ખેડૂત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ ધવલીવેર ગામનાં ખેડૂત દિનેશભાઈ ગુલાબસિંગ વસાવા દ્વારા પ્રાકૃતિક ખેતી કરવામાં આવી છે. આધુનિક સમયમાં વધુ પાક ઉત્પાદન માટે ખેડૂતો મુખ્યત્વે વધુ પાક ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ જેનાથી જમીનને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું હોય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના કારણે જમીન બિનઉપજાઉ બની જાય છે અને ફળદ્રુપતા ગુમાવી બેસે છે. ત્યારે આ ગામના ખેડૂતે પોતાના ખેતરે રાખેલી ગાયોનું છાણ અને ગૌ-મૂત્ર માંથી ખાતર તેમજ જીવામૃત બનાવી ખેતી કરવાની અનોખી પદ્ધતિ અપનાવી છે. આ ઉપરાંત ખેડૂત હાલ પણ બળદ દ્વારા જમીન ખેડવાનો આગ્રહ રાખે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ખેડ માટેનાં આધુનિક સાધનોને કારણે જમીનમાં રહેલા ખેડૂત મિત્ર તરીકે ગણાતા અળસિયા સાધનોનાં ભારને કારણે મૃત પામતા હોય છે. આમ જમીનને ફળદ્રુપ બનાવવામાં ઉપયોગી જીવોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થતું હોય છે. આ ઉપરાંત રાસાયણીક ખાતર અને દવાને કારણે જમીનને વ્યાપક પ્રમાણમાં જરૂરી તત્વો અને બેક્ટેરિયા પણ મૃત્યુ પામતા હોય છે. જેથી ખેડૂતોએ તેનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવુ જોઈએ.

આ ગામનાં ખેડૂત દિનેશભાઈ ગુલાબસિંગ વસાવા  દ્વારા આ વર્ષે બ્લેક રાઇસ તરીકે ઓળખાતી ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. બ્લેક રાઈસ બજારમાં ઉંચા ભાવે વેચાય છે, ઉપરાંત આરોગ્ય માટે લાભદાયી છે. આ ઉપરાંત કૃષ્ણકમોદ ડાંગર અને લાલ ચોખા ધરાવતી ડાંગર અને દેશી તુવેરનું પ્રાકૃતિક રીતે વાવેતર કરવામાં આવ્યું છે.

Exit mobile version