શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લાના આદિમ જૂથોના પરિવારો સાથેના પીએમ જનમન સંવાદ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ :
ડાંગ: ડાંગ જિલ્લામાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી કેન્દ્ર-રાજ્ય યોજનાથી સંપૂર્ણ લાભાન્વિત કરી સો ટકા સેચ્યુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા અને આગામી ૧૫ જાન્યુઆરી-૨૦૨૪ મા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પીએમ જનમન કાર્યક્રમની પ્રથમ પ્રાથમિક પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષતામા જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમા બેઠક યોજાઈ હતી.
દેશના અને રાજ્યના આદિમ જૂથના વિકાસ માટે “PMPVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ નાણાંકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ડાંગ જિલ્લામાં કોટવાળિયા અને કાથોડી સમુદાયના લોકો વસવાટ કરે છે. આ આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધા પુરી પાડવાનો હેતુ આ મિશન હેઠળ રહેલો છે. આ મિશન હેઠળ થઈ રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા અને લાભાર્થી કુટુંબો સાથે આગામી તા.૧૫/૦૧/૨૦૨૪ ના સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જિલ્લાના લાભાર્થીઓ સાથે સંવાદ કરનાર છે.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા કર્યા બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જે છેવાડાના માનવી સુધી પહોંચાડવાની છે તેનો ખાસ કરીને આદિમ જૂથના સભ્યોને યોજનાનો લાભ પુરતા પ્રમાણમાં મળી રહે, યોજનાનો હેતુ સાચા અર્થમાં સિદ્ધ થાય અને કોઈ વ્યક્તિ-કુટુંબ યોજનાના લાભોથી વંચિત ન રહી જાય તેના માટે તમામ વિભાગોએ ઘરે-ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરી યોજનાઓની અમલવારી કરી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં કામીગીરી કરવા ઉપર જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને વિગતવાર માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ખાસ કરીને વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય અને સરકારશ્રીની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની યોગ્ય અમલવારી થાય તેના ઉપર વધુ ભાર મૂક્યો હતો. જેમાં મુખ્યત્વે કિસાન સન્માન નિધિ, વનધન યોજના, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, બેન્ક મિત્ર, માતૃવંદના, આયુષ્માન કાર્ડ, પીએમ વિશ્વકર્મા યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, જીવન જ્યોતિ યોજના, કાસ્ટ સર્ટીફિકેટ, મહેસૂલની યોજના, પશુપાલન, ખેતીવાડીની યોજના, ટ્રાયબલ સબપ્લાન યોજના, પ્રાકૃતિક ખેતી, જેવી બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.એમ.ડામોર, પ્રાયોજના વહિવટદારશ્રી રાજ.આર.સુથાર, પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.