Site icon Gramin Today

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ 

આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ:

ડાંગની ધરતીથી ફિલ્મ જગત સુધી સંઘર્ષ, પ્રતિભા અને સપનાઓની કહાની : મોનાલીસા પટેલ

અંતરિયાળ પાહાડી વિસ્તારથી મુંબઈ સુધી: મોનાલીસા પટેલની પ્રેરણાદાયી ઉડાન

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી ઉગેલી પ્રતિભા આજે માયાનગરી મુંબઈ સુધી પોતાની ઓળખ બનાવી રહી છે. કહેવત છે કે  “પ્રતિભા ક્યારેય સંસાધનોની મોહતાજ નથી હોતી”  આ વાતને સાકાર કરી બતાવનાર ડાંગની દીકરી મોનાલીસા પટેલ આજે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

ભૌતિક સુવિધાઓનો અભાવ અને સંચાર વ્યવસ્થાની મર્યાદાઓ હોવા છતાં, મોનાલીસાએ પોતાની અદમ્ય મહેનત, સર્જનાત્મકતા અને કલાપ્રતિભાના જોરે ફિલ્મ જગતમાં મક્કમ સ્થાન બનાવ્યું છે. માયાનગરી મુંબઈમાં કાર્યરત હોવા છતાં તેઓ પોતાના મૂળને ક્યારેય ભૂલ્યા નથી.

ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં રહેલી છુપાયેલી પ્રતિભાઓને મંચ મળે તે હેતુથી મોનાલીસા “સીનેવિદ્યા વર્કશોપ” દ્વારા ત્યાંના બાળકોને ફિલ્મ નિર્માણની નાની-મોટી બારીકીઓ શીખવી રહ્યા છે. આ પ્રયાસથી અનેક ગ્રામ્ય બાળકોને સર્જનાત્મક ક્ષેત્રમાં આગળ વધવાની નવી દિશા મળી રહી છે.

મોનાલીસાનો ઉછેર એક કલાપ્રેમી પરિવારમાં થયો છે. પરંપરાગત શાળાશિક્ષણને બદલે તેમણે હોમ સ્કૂલિંગ દ્વારા શિક્ષણ મેળવ્યું, જ્યાં પાઠ્યપુસ્તકો સાથે કલા, રમતગમત અને નૃત્ય જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું. માત્ર ૯ વર્ષની નાની ઉંમરે તેમણે ડિસ્કવરી ચેનલ માટે બનેલી ફિલ્મ “Native Cango” દ્વારા અભિનય ક્ષેત્રમાં પગલું મૂક્યું હતું.

પછી ડાંગી ભાષાની પ્રથમ પ્રાદેશિક ફિલ્મ “સાઉલી” માં આપેલા ઉત્કૃષ્ટ અભિનયથી તેમણે દર્શકોના દિલ જીતી લીધા. તેમ છતાં તેમની સફર માત્ર અભિનય સુધી મર્યાદિત નથી રહી. તેઓ ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં પણ સક્રિય છે. અભિનેતા આમિર ખાનની ફિલ્મ “કોઈ જાને ના” ના લોકપ્રિય ગીત “હરફન મૌલા” માં તેમણે ડિરેકશન ટીમમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત “ચિત્રકૂટ”, મરાઠી ફિલ્મ “નાદ પ્રેમાચા” તથા આગામી હોમ પ્રોડક્શન ફિલ્મ “શમા” જેવા પ્રોજેક્ટ્સમાં તેઓ સતત કાર્યરત છે.

મોનાલીસા માત્ર અભિનેત્રી જ નહીં, પણ એક કુશળ નૃત્યાંગના પણ છે. તેઓ આદિવાસી ડાંગી ડાન્સ, આસામનું બીહુ, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનું ઘુમર જેવી પરંપરાગત નૃત્ય શૈલીઓ સાથે સાથે આધુનિક અર્બન ડાન્સમાં પણ પારંગત છે. ત્રણ વર્ષના ભારતભ્રમણ દરમિયાન પ્રાપ્ત થયેલા અનુભવો વિશે મોનાલીસા કહે છે કે, “જીવનમાં ‘અભ્યાસ પ્રવાસ’નું ખૂબ મહત્વ છે. પ્રવાસ દરમિયાન મળતા અનુભવો જીવનની વાસ્તવિકતા સમજાવે છે, જે માત્ર પુસ્તકો દ્વારા મળતા નથી.” તેઓ માને છે કે પ્રતિભા સાથે પરિવારનો સાથ હોય, તો દુનિયાની કોઈ મુશ્કેલી સફળતા તરફ વધતા પગલાંને અટકાવી શકતી નથી.

આહવા તાલુકાના ચંનખલ ગામની આ પ્રતિભાશાળી દીકરીએ સાબિત કરી દીધું છે કે મક્કમ નિર્ધાર અને પરિવારના સહયોગથી સપનાઓને આકાશ મળે છે. એક્ટ્રેસ, ડાન્સર, સિંગર અને ડિરેક્ટર જેવી બહુમુખી પ્રતિભા ધરાવતી મોનાલીસા પટેલ આજે માત્ર ડાંગ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ બની છે.

હાલમાં તેમની હિન્દી ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ લદાખમાં ચાલી રહ્યું છે, જે તેમની સફળતા તરફ વધતા નવા પગલાંનો સાક્ષી છે. ડાંગની આ દીકરીની સફર એ સાબિત કરે છે કે “સપનાઓ જોવાની હિંમત હોય, તો આકાશ પણ સીમિત નથી.”

Exit mobile version