Site icon Gramin Today

સામાજીક ન્યાય અને અધિકારીતા કેબીનેટ મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે તાપીના અનેક ગામોમાં ચાલતા કામોનુ નિરીક્ષણ કર્યુ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સામાજીક ન્યાય અને અધિકારીતા કેબીનેટ મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે તાપીના ગોપાલપુરા, કાકડકુવા, ઉમરદા આમલગુંડી ગામની મુલાકાત લઈ મનરેગા કામોનું નિરક્ષણ કર્યું.

વ્યારા-તાપી:  રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા કેબીનેટ મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમારે આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોપાલપુરા, કાકડકુવા, ઉમરદા આમલગુંડી ગામની મુલાકાત લઈ મનરેગા કામોનું નિરક્ષણ કર્યું હતું. તેમજ મનરેગા યોજના હેઠળ કામ કરતા શ્રમિકો સાથે શ્રમદાન કરી શ્રમિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

    મંત્રીશ્રી પરમારે ગોપાલપુરા ગામે શ્રમિકો સાથે સંવાદ કરી મનરેગા યોજના હેઠળ રોજગારી સાથે વેતન સમયસર મળી રહે છે. તેની પૃચ્છા કરી સાથે સાથે સરકારની આવાસ યોજના, અન્ન યોજના, ઉજ્વલા યોજના, આયુષમાન ભારતની યોજનાઓ વિશે જાણકારી આપી વધુમાં વધુ લોકો તેનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો. યોજનાના સબંધિત અધિકારીઓ, સ્થાનિક સરપંચ અને તલાટીઓએ લોકોને સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પ્રયાસ કરવા ભાર મુક્યો હતો.

           જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જેવુ કામ કરો તેવા પૈસા આ યોજનામાં મળે છે. સરકારની આ યોજનાનો વધુ સારો લાભ લેવો જોઈએ.૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓને વૃધ્ધ પેન્શન યોજના હેઠળ રૂા.૭૫૦ દર મહિને મળે છે. તદઉપરાંત વિધવા બહેનોને રૂા.૧૨૫૦ ની સહાય પણ મળે છે. ગંભીર બિમારી સામે સરકારની આયુષમાન ભારત યોજનાનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં તમામ લોકોને ૨૦૨૪ સુધીમાં પાકા આવાસો મળી જશે. સરકાર તમામ લોકોની ચિંતા કરે છે. સરકાર સમાજની સાથે છે.

                 પૂર્વ મંત્રી કાન્તીભાઈ ગામીતે આદિવાસી ગામીત બોલી માં લોકોને સરકારની યોજનાઓની માહિતી આપી હતી. સાથે તેમણે કોરોનાના ગંભીર કપરાકાળમાં સરકારે નિશુલ્ક રાશન આપીને મદદ કરી હોવાનું જણાવી હંમેરા લોકોની પડખે સરકાર છે એમ કહયું હતું. વધુમાં કેટલાક લોકો ધર્મને રાજકારણ સાથે જોડે છે. તેમનાથી દુર રહેવા પણ જણાવ્યું હતું.

 ગોપાલપુરા ગામે ૪૨૮ ઘરોની વસ્તીમા; ૨૩૮ લોકો મનરેગા જોબકાર્ડ ધરાવે છે. જે પૈકી આજરોજ ૨૧૭ લોકો કામ ઉપર આવ્યા હતા. મંત્રીશ્રી પરમારે મનરેગા કામ બાદ સ્ટેશન રોડ તથા સોનગઢના વિકાસ કામોની મુલાકાત લઇ પદાધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો.

            આ વેળાએ સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ, મહામંત્રી વિક્રમભાઈ તરસાડિયા, કૈલાશબેન, જિગ્નેશભાઈ દોણવાલા, પીન્ટુભાઈ, વેચ્યાભાઈ, ભરતભાઈ ગામીત, સમાજ સુરક્ષા અધિકારી નિર્મલભાઇ ચૌધરી, નાયબ નિયામક જ્યોત્સનાબેન સોલંકી સહિત સંગઠન કાર્યકરો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Exit mobile version