Site icon Gramin Today

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત ડાંગ જિલ્લાની મુલાકાતે :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ, રામુભાઈ માહલા

આહવા: તા: ૧૦: ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત રાજ્યના ખૂબસૂરત ડાંગ જિલ્લાની મુલાકાતે પધાર્યા છે, ત્રણ દિવસની મુલાકાતે પધારેલા રાજ્યપાલશ્રીનું ગિરિમથક સાપુતારાના હેલિપેડ ઉપર ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું.

રાજ્યપાલશ્રીએ તેમની મુલાકાતના પ્રથમ દિવસે ગિરિમથક સાપુતારાના સૌન્દર્યને નિહાળ્યું હતુ, તેમજ વઘઇ ખાતેના બોટાનીકલ ગાર્ડનની મુલાકાત લઈ વનસ્પતિના વૈવિધ્યને પણ નિહાળ્યું હતું, આ મુલાકાત વેળા રાજ્યપાલશ્રીની સાથે લેડી ગવર્નરશ્રી પણ આ મુલાકાતમાં જોડાયા હતા.

રાજ્યપાલશ્રીએ ડાંગ જિલ્લામાં ખેડૂતો રાસાયણિક કૃષિના વિકલ્પ તરીકે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવે અને જળ, જમીન તથા પર્યાવરણને દુષિત થતું અટકાવી ઝેરમુક્ત કૃષિ ઉત્પાદન મેળવે તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો,  ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સાથે મુલ્યવર્ધન ક્ષેત્રે વિપુલ શક્યતાઓ હોવાનું પણ તેમણે આ વેળા જણાવ્યું હતું.

પર્યટન માટેની વિપુલ શકયતા ધરાવતા ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટેની અલાયદી બજાર વ્યવસ્થાઓ ઉપર ભાર મુકતા રાજ્યપાલશ્રીએ લુપ્ત થતી વન ઔષધિઓના જતન સંવર્ધન ઉપર લક્ષ કેન્દ્રિત કરી, મેડિકલ ટુરિઝમની વ્યાપક શકયતાઓ અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો,  તેમણે ઔષધીય ઉત્પાદન તથા વેચાણમાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની પણ આ વેળા હિમાયત કરી હતી.

રાજ્યપાલશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર શ્રી એન.કે.ડામોર સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, સંયુક્ત માહિતી નિયામક શ્રી આર.આર.રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version