Site icon Gramin Today

મહિલા અભ્યમ્ 181 ટીમે સોનગઢ ખાતેથી મળી આવેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

મહિલા અભ્યમ્ 181 ટીમે સોનગઢ ખાતેથી મળી આવેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

તાપી જિલ્લાની મહિલા અભ્યમ્ ટીમે ફરી સાબિત કરી બતાવ્યું કે મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા તેઓ હંમેશા ખડેપગે..

વ્યારા: પીડિત મહિલા, ગુમ થયેલ મહિલા, હેરાનગતિ થયેલ કે પછી અન્ય સંબંધોના વિખવાદો હોય અભયમ 181 હેલ્પલાઈન પર આવતા દરેક ફોન કોલ્સને પ્રાધાન્ય આપી અભયમની તાપી ટીમે મહિલાઓની શારીરિક, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે થતી જાતિય સતામણી સહિતના ઘણા કિસ્સાઓમાં મદદ કરી છે. આજ રોજ  મહિલા અભયમ 181 હેલ્પલાઈન નંબર પર થર્ડ પાર્ટી દ્વારા કોલ આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે એક અજાણી મહિલા સોનગઢ બસ સ્ટેશન પર છે તથા હાલ લોકડાઉન હોવાથી બધુ બંધ હોવાથી તેમની મદદ માટે તમને કોલ કર્યો છે. 181 હેલ્પલાઈનની ટીમે આ કોલને પ્રાધાન્ય આપી ઝડપી કામગીરી હાથ ધરી તે મહિલા પાસે પહોંચ્યા હતા. ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું જેમાં જાણવા મળ્યું કે તેઓ પીપલકુવા ગામમાં રહે છે. તે મહિલા છેલ્લા 3-4 દિવસથી તે મહિલા સોનગઢમાં હતી. 

 વધુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, પરિવારમાં માતા સાથે વધુ બે સભ્યો રહે છે. મહિલા દ્વારા જણાવેલ સરનામે અભયમ ટીમ મહિલા સાથે પહોંચી ત્યારે પરિવાર તરફથી જાણવા મળ્યું કે પીડિત મહિલા માનસિક બિમાર છે તથા વારંવાર ઘરેથી નીકળી જાય છે. ત્યાર બાદ અભયમ ટીમે પીડિત મહિલાની હૂંફ આપ્યા બાદ તેમના માતાને પુત્રીની કાળજી લેવા જણાવ્યું હતું. તાપી જિલ્લાની ટીમ અભયમે મહિલાને પરિવાર સુધી પહોંચાડી ઉમદા કામગીરી કરી છે. ટીમ અભયમને આવતા કોલ્સની વાત કરીએ તો તેનો રેશિયો વધ્યો છે અને ટીમ તમામ મહિલાઓના પ્રશ્નોને વાચા આપી તેમની કાઉન્સેલિંગ કરી મદદ અને માર્ગદર્શન પુરુ પાડે છે.

 અભયમ ટીમની કામગીરી ખરેખર પ્રશંસનિય છે કારણ કે અગાઉ તાપીની ટીમે નવસારીની અભયમ ટીમ સાથે સંયુક્ત રીતે કામગીરી કરી નવસારીના ફુટપાથ પર મળી આવેલ લકવાગ્રસ્ત મહિલાને પોતાના પરિવાર સુધી પહોંચાડી એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું હતું કે મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા માટે તાપી જિલ્લાની અભયમ ટીમ હંમેશા ખડેપગે રહશે અને ફરી વાર ટીમ દ્વારા સર્વશ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે.

    

Exit mobile version