Site icon Gramin Today

નવસારી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી કમલેશ ગાંવિત

ગૌહત્યા અટકાયતી પગલાં માટે રાજય સરકાર પ્રતિબધ્ધ:

નાગરિકોની શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવા સુચના: – ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

નવસારી ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

નવસારીઃ  આજરોજ નવસારી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઍડીશનલ ડી.જી.પી.શ્રી રાજકુમાર પાંડિયન, જિલ્લા પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય ઉપસ્થિત રહયાં હતા. 

આ બેઠકમાં ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે, ગૌહત્યા અટકાયતી પગલાં માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે. નાગરિકોની શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીના પગલાં લેવા સુચના આપી હતી. ઍટલું જ નહી પરંતુ રાજ્યના નાગરિકો શાંત વાતાવરણમાં રહી શકે તે અમારો ધ્યેય છે. 

ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા એ નવસારી જિલ્લાના પોલીસ વિભાગની કામગીરીની તલસ્પર્શી માહિતી મેળવી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાઍ જણાવ્યું હતું કે, બિલીમોરા અને વિજલપોર પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરીને પી.ઍસ.આઇ.માંથી પી.આઇ.ની જગ્યા મંજુર કરવામા આવી છે. તેમજ નવું મહેકમ જિલ્લા માટે મંજુર કરાયું છે. જેથી માનવબળ મળતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારી રીતે થશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારી ના પગલાં લેવામાં આવ્યા છે.

મંત્રીશ્રી જાડેજાઍ શરીર સંબંધી ગુન્હાઓ, મિલકત સંબંધી ગુન્હાઓ, પ્રોહિબીશન, જુગારધારા, ઍમ.સી.આર.કાર્ડધારકની વિગત, હિસ્ટ્રીશીટરની માહિતી, નાસતા ફરતા આરોપીઓની વિગત, કોવિડ-૧૯ દરમિયાન થયેલ કામગીરી, લેન્ડ ગ્રેબીંગ વિશે વિગતવાર માહિતી મેળવી જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપ્યું હતું. નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી ડિટેકશનની સારી કામગીરીની પ્રશંસા કરી અભિનંદન આપ્યા હતા.  

બેઠક પહેલા નવસારી પોલીસ વિભાગ દ્વારા ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાને સલામી આપવામાં આવી હતી.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

Exit mobile version