Site icon Gramin Today

દેડીયાપાડા અને સાગબારા તાલુકાના છેવાડાના ગામોમાં વિજ પોલને થયેલા નુકશાન બાદ વિજ કંપની દ્વારા રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા અને સાગબારા તાલુકાના છેવાડાના ગામોમાં અતિભારે વરસાદ ને લઇ  વિજ પોલને થયેલા નુકશાન બાદ વિજ કંપની દ્વારા યુધ્ધના ધોરણે રિસ્ટોરેશનની કામગીરી પૂર્ણ; વીજ પૂરવઠો ૨૪ કલાક ચાલુ કરી દેવાયો: 

દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં વધુ વરસાદ વરસતા અંતરિયાળ વિસ્તારના ગામો વિજ વિક્ષેપથી અસરગ્રસ્ત થયા હતા. ખાસ કરીને વિજ લાઈન પર ઝાડ પડવા, વીજ પોલ પાસે જમીનનું ધોવાણ થતાં તેમજ ટ્રાન્સફોર્મર તૂટી પડવાની સ્થિતિ સર્જાઈ હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમો દ્વારા તાત્કાલિક અસરથી ગામેગામ પહોંચી નુકશાનીનો સર્વે કરવા સાથે જરૂરી સમાગ્રી સ્થળ પર પહોંચાડી રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં જિલ્લાના તમામ ગામોને ૨૪ કલાક ઘર વપરાશનો વિજ પૂરવઠો આપવામાં આવી રહ્યો હોવાનું વિજ વિભાગના રાજપીપલા ડિવીઝનના કાર્યપાલક ઈજનેરશ્રી એચ.ડી.રાણાએ જણાવાયું છે.

માધ્યમો સાથેના સંવાદમાં દક્ષિણ ગુજરાત વિજ કંપનીના રાજપીપલા ડિવિઝનના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.ડી.રાણાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં થોડા દિવસો પહેલા ભારે વરસાદને કારણે ડી.જી.વી.સી.એલ.ના રાજપીપલા ડિવિઝનમાં આવતા દેડીયાપાડા અને સાગબારા તાલુકાની નદીઓમાં પૂરની પરિસ્થિતિને કારણે તેમજ વિજ લાઇન પર ઝાડ પડવાથી વિજ પોલને નુકશાન થયું હતું. જેમાં ખાસ કરીને દેડીયાપાડા તાલુકાના મોટા સુકાઆંબા, કાબરી પઠાર, વેડછા ગામમાં પણ ટ્રાન્સફોર્મર તૂટી ગયા હતા. જ્યારે સાગબારા તાલુકાના રોઝદેવ ગામમાં મોબાઇલ ટાવરના ટ્રાન્સફોર્મરનું સ્ટ્રક્ચર તૂટી ગયુ હતું. આ તમામ ટ્રાન્સફોર્મરનું સ્ટ્રકચર હાલમાં રિસ્ટોર કરી વિજ પુરવઠો પૂર્વવત કરી દેવમાં આવ્યો છે. જ્યાં જ્યાં વિજ પોલ પડી જવા કે નમી જવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તેને અમારી ટીમ દ્વારા સત્વરે રિસ્ટોરેશન કરી તમામ ગામોમાં ૨૪ કલાક વિજ પુરવઠો હાલમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે.

Exit mobile version