શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લામાં સખી મેળા-૨૦૨૨ની સફળતા:
ખાસલેખ:
કુલ-૫૬ સ્ટોલ દ્વારા સ્થાનિક મહિલાઓએ ૦૯ લાખથી વધુની આવક ઉભી કરી;
“સ્થાનિક કક્ષાએ આટલી સારી રોજગારી મેળવતા ખરેખર આત્મનિર્ભર થયા તેવી અનુભુતિ થઇ છે:”-નયનાબેન ગામીત-નિલકંઠ સખી મંડળ, ડોલવણ
“સખી મંડળો પોતાની આજીવિકા કાયમ માટે ટકાવી ગુણવત્તા સભર જીવન જીવી શકે તેવો રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશનનો આશય”:- જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી નિયામકશ્રી અશોક ચૌધરી
વ્યારા: સમગ્ર રાજ્યમાં સ્વ-સહાય જુથો/કારીગરો દ્વારા સ્વ-ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણના ઉદ્દેશથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વ-સહાય જુથો/કારીગરોના ઉત્થાન માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં તા. ૦૮/૦૬/૨૦૨૨ થી ૧૪/૦૬/૨૦૨૨ દરમિયાન “જિલ્લા કક્ષા સખી મેળા-૨૦૨૨”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં આ મેળાની સફળતા થકી સ્થાનિક મહિલાઓ આત્મનિર્ભર બન્યા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લામાં કુલ-૫૬ સખી મંડળો દ્વારા વિવિધ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, બામ્બુક્રાફ્ટ, હેન્ડલુમ, ઓર્ગેનિક હર્બલ પ્રોડક્ટ, આર્ટીફિશિયલ જ્વેલરી, નારીયેળના રેશાની બનાવટો, વિવિધ પ્રકારનાં અથાણાં અને પાપડ અને મસાલાઓ તેમજ પારંપારિક જાત-જાતની વાનગીઓ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ ૦૭ દિવસ માટે ફાળવવામાં આવ્યા હતા. જેમાં દૈનિક રૂપિયા ૫૦૦ થી લઇ રૂપિયા ૨૭૦૦૦ થી વધુની આવક મળી સાત દિવસના અંતે કુલ-૯,૫૩,૮૭૦/- રૂપિયાની આવક વિવિધ સ્ટોલ દ્વારા કરવામાં આવી છે. જે આ મેળાની સફળતા તાદર્શ રીતે દર્શાવે છે. આ સખી મેળામાં બેસ્ટ ઇનોવેટીવ ફુડપ્રોડક્ટ માટે વ્યારા તાલુકાના આંબિયા ગામની “રોશની સખી મંડળ’, બોરખડી ગામની “સાંઈ સખી મંડળ”ને બેસ્ટ સેલીંગ પ્રોડક્ટ તરીકે અને ધાટા ગામની “શિવ લહેરી સખી મંડળ”ને બેસ્ટ ડેકોરેટીવ પ્રોડક્ટ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ તાપી જિલ્લાના સખી મેળામાં વિવિધ સખી મંડળોએ પોતાની અવનવીન પ્રોડક્ટ માટે ખુબ નામના મેળવી છે.
આ અન્વયે ડોલવણ તાલુકાના નિલકંઠ સખી મંડળના મંત્રીશ્રી નયનાબેન ગામીત જિલ્લા વહિવટી તંત્રનો આભાર માનતા જણાવે છે કે, સાત દિવસિય સખી મેળામાં અમે સાબુના વેચાણનો સ્ટોલ રાખ્યો હતો. જેમાં અમે અંદાજિત ૨૦ હજારની આવક કરી છે. વધુમાં તેમણે રાજ્ય સરકારનો આભાર વયક્ત કરતા ઉમેર્યુ હતું કે, સ્થાનિક કક્ષાએ આટલી સારી રોજગારી મેળવતા અમે તમામ બહેનોને આત્મનિર્ભર બન્યા એવી અનુભુતિ થઇ છે. આ આવકનો ઉપયોગ બાળકોના ભણતર અને પરિવાર માટે કરીશું. તેમણે જિલ્લા વહિવતી તંત્ર સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા મિશન મંગલમના કર્મચારીઓ અધિકારીઓના ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. મેળામાં સ્ટોલ શરૂ કરવાથી લઇ સ્થાનિક કક્ષાએ વેચાણ અને માર્કેટીંગ અંગે સતત માર્ગદર્શન આપવા બદલ તેમના ઋણી હોવાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સાબુ બનાવવાની તાલીમ મેળવ્યા અંગે પણ ઉલ્લેખ કરી આભાર વ્યક્ત કર્યો હતો. અંતે તમામ ગ્રામિણ સખી મંડળની બહેનોને સખી મંડળમાં જોડાઇ આત્મનિર્ભર બનવા સંદેશ પાઠવ્યો હતો.
આ અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના નિયામકશ્રી અશોક ચૌધરી જણાવે છે કે, “કોઇ પણ વ્યક્તિનું ઘર બન્યા બાદ તેની પાસે ટકાઉ આવક હોવી જોઇએ જેના માટે સરકારશ્રી દ્વારા રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળની રચના કરી તેમને અલગ અલગ પ્રવૃતિઓ સાથે સાંકળી વિવિધ સહાય આપવામાં આવે છે. તેમને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી તેઓ પોતાની આજીવીકા કાયમ માટે ટકાવી ગુણવત્તા સભર જીવન જીવી શકે તેવો આશય રહેલો છે. તાપી જિલ્લામાં આ મિશન હેઠળ ૯૨૬૯ મંડળોની રચના કરવામાં આવી છે. જેમાંથી ૬૨૦૦ જેટલા મંડળો હાલ એક્ટીવ છે. ઘણા જુથો એવા સ્ટેજ ઉપર પહોચ્યા છે કે જે સારામાં સારી પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહ્યા છે. અને માર્કેટમાંથી પણ સારી રીતે આવક મેળવી રહ્યા છે. તાપી જિલ્લામાં યોજાયેલ સખી મેળામાં વિવિધ જુથોએ અંદાજિત ૯,૫૩,૮૭૦/- રૂપિયાની આવક મેળવી છે જેથી બહેનો ખરેખર આર્થિક રીતે પોતાના પગભર થયા છે એમ કહી શકાય છે.”
મહિલા સશક્તિકરણ માટે સમગ્ર દેશમાં અવ્વલ ગુજરાત રાજ્યમાં મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ-નિતિઓના પરિણામલક્ષી અમલ થઇ રહ્યા છે. ગુજરાત રાજ્ય દ્વારા જ વર્ષ ૨૦૧૪-૧૫થી “જેન્ડર બજેટ” આપવાની શરૂઆત થઇ હતી. જેના દ્વારા મહિલાઓને વિકાસના તમામ ક્ષેત્રે મુખ્ય પ્રવાહમાં લાવવા અને મુખ્ય પ્રવાહનો સક્રિય ભાગીદાર બનવા અત્યંત સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. જેમાં આ સખી મેળાના આયોજન જેવા અનેક પ્રવૃતિઓ અને નવિન પહેલો દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસના સરાહનિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દરેક વિભાગ દ્વારા જનસેવા અને ફરજ નિષ્ઠાના હકારાત્મક અભિગમના કારણે તાપી જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બની સમાજિક સુધારા અને સમાજ નિર્માણમાં અમુલ્ય યોગદાન આપી એક આદિવાસી જિલ્લાને નવી દિશા ચિંધી રહી છે.