Site icon Gramin Today

ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ: 

ડુમ્મસ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાંઠા સફાઈ દિવસે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ હતી, 

દર સપ્તાહે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

સ્વચ્છતા થકી આગામી સમયમાં ડુમ્મસનો દરિયા કિનારો બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન બનીને ઉભરશે: પર્યાવરણ મંત્રીશ્રી

સુરત: ‘આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાંઠા સફાઈ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ (GEMI) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમ્મસ બીચ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવ યોજી ડુમ્મસ બીચની સાફ સફાઈ કરવામાં આવી હતી.


આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડાવાનો અનુરોધ કરતા વન મંત્રીશ્રી કહ્યું હતું કે, ગુજરાતનો દરિયાકાંઠો દેશના સૌથી લાંબા કાંઠાઓમાંનો એક છે. આ કાંઠો માત્ર કુદરતી સૌંદર્ય નથી, પણ આર્થિક, પર્યટન અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે. આપણી નૈતિક ફરજ સમજીને ઘરથી શરૂઆત કરીને શેરી, મહોલ્લો, ગામને સ્વચ્છ રાખવા દર સપ્તાહે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાની અપીલ કરી હતી. સ્વચ્છતા થકી આગામી સમયમાં ડુમ્મસનો દરિયા કિનારો બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન બનીને ઉભરશે.
વધુમાં વન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વન વિભાગના તમામ ઈકો ટુરિઝમ સાઈટ પર પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું છે. આપણે સૌએ સંકલ્પ કરીને અગાઉની જેમ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. દરેક દુકાનની બહાર કચરાપેટી રાખવાનો આગ્રહ કરતા વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, સ્વચ્છતા એ માત્ર પ્રાસંગિક ઝુંબેશ ન બની રહે એ માટે તેને જનઆંદોલન બનાવવું પડશે.
સુરતના ડુમ્મસ દરિયાકિનારામાં વ્યાપક બીચ સફાઈને પરિણામે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક, બોટલ સહિતનો કચરો એકત્ર કરી નિકાલ કરાયો હતો.


અત્રે નોધનીય  છે કે, બીચ સ્વચ્છતા ડ્રાઈવમાં યુવાઓએ સ્વચ્છ અને સુરક્ષિત સમુદ્રના મહત્વને સમજી બીચ સફાઈમાં સ્વયંભૂ જોડાયા હતા. શાળાઓના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનની જાગૃતિ દર્શાવતા પોસ્ટરથી જનજાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો, આ સાથે મહાનુભાવો સહિત સ્વચ્છાગ્રહીઓએ સિગ્નેચર કરી અભિયાનમાં સહભાગિતા દર્શાવી હતી. હાજર સૌએ સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે નાયબ વનસંરક્ષક ધીરજકુમાર, નાયબ વનસંરક્ષક (સામાજિક વનીકરણ) સુશ્રી મિનલ સાવંત, શ્રી પુનિત નાયર (IFS), કોર્પોરેટરો, જીપીસીબીના પ્રાદેશિક અધિકારીઓ, GEMI અને GPCB અધિકારી-કર્મચારીઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો વિવિધ સહિત સંસ્થાઓના સ્વચ્છતાપ્રેમીઓ સ્વચ્છતા ડ્રાઈવમાં જોડાયા હતા.

Exit mobile version