શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ:
ડાંગની ધરતીથી ફિલ્મ જગત સુધી સંઘર્ષ, પ્રતિભા અને સપનાઓની કહાની : મોનાલીસા પટેલ
અંતરિયાળ પાહાડી વિસ્તારથી મુંબઈ સુધી: મોનાલીસા પટેલની પ્રેરણાદાયી ઉડાન
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી ઉગેલી પ્રતિભા આજે માયાનગરી મુંબઈ સુધી પોતાની ઓળખ બનાવી રહી છે. કહેવત છે કે “પ્રતિભા ક્યારેય સંસાધનોની મોહતાજ નથી હોતી” આ વાતને સાકાર કરી બતાવનાર ડાંગની દીકરી મોનાલીસા પટેલ આજે સમગ્ર ગુજરાત માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
મોનાલીસાનો ઉછેર એક કલાપ્રેમી પરિવારમાં થયો છે. પરંપરાગત શાળાશિક્ષણને બદલે તેમણે હોમ સ્કૂલિંગ દ્વારા શિક્ષણ મેળવ્યું, જ્યાં પાઠ્યપુસ્તકો સાથે કલા, રમતગમત અને નૃત્ય જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું. માત્ર ૯ વર્ષની નાની ઉંમરે તેમણે ડિસ્કવરી ચેનલ માટે બનેલી ફિલ્મ “Native Cango” દ્વારા અભિનય ક્ષેત્રમાં પગલું મૂક્યું હતું.
મોનાલીસા માત્ર અભિનેત્રી જ નહીં, પણ એક કુશળ નૃત્યાંગના પણ છે. તેઓ આદિવાસી ડાંગી ડાન્સ, આસામનું બીહુ, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનું ઘુમર જેવી પરંપરાગત નૃત્ય શૈલીઓ સાથે સાથે આધુનિક અર્બન ડાન્સમાં પણ પારંગત છે. ત્રણ વર્ષના ભારતભ્રમણ દરમિયાન પ્રાપ્ત થયેલા અનુભવો વિશે મોનાલીસા કહે છે કે, “જીવનમાં ‘અભ્યાસ પ્રવાસ’નું ખૂબ મહત્વ છે. પ્રવાસ દરમિયાન મળતા અનુભવો જીવનની વાસ્તવિકતા સમજાવે છે, જે માત્ર પુસ્તકો દ્વારા મળતા નથી.” તેઓ માને છે કે પ્રતિભા સાથે પરિવારનો સાથ હોય, તો દુનિયાની કોઈ મુશ્કેલી સફળતા તરફ વધતા પગલાંને અટકાવી શકતી નથી.
હાલમાં તેમની હિન્દી ડેબ્યુ ફિલ્મનું શૂટિંગ લદાખમાં ચાલી રહ્યું છે, જે તેમની સફળતા તરફ વધતા નવા પગલાંનો સાક્ષી છે. ડાંગની આ દીકરીની સફર એ સાબિત કરે છે કે “સપનાઓ જોવાની હિંમત હોય, તો આકાશ પણ સીમિત નથી.”

