શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
“વિશ્વ સિકલ સેલ દિવસ” નિમિત્તે ડાંગ જિલ્લામાં જાગૃતિ અને નિદાન અભિયાનનું કરાયુ આયોજન:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ સિકલ સેલ દિવસ”ની ઉજવણી નિમિત્તે જિલ્લામાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમો, નિદાન શિબિરો અને આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સિકલ સેલ એનિમિયા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા તેમજ સમયસર નિદાન અને સારવાર દ્વારા દર્દીઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે અહીં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
સિકલ સેલ એક આનુવંશિક રક્તરોગ છે, જે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ રોગના કારણે લાલ રક્તકણો અસામાન્ય આકાર ધારણ કરતા હોવાથી શરીરમાં ઓક્સિજનનું યોગ્ય પરિવહન થતું નથી, અને દર્દીઓને વારંવાર દુખાવો, થાક, એનિમિયા સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સમયસર તપાસ, યોગ્ય સારવાર અને નિયમિત અનુસરણ દ્વારા આ રોગના પ્રભાવને ઘટાડવો શક્ય બને છે.
“વિશ્વ સિકલ સેલ દિવસ” ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં વિવિધ આરોગ્ય સંસ્થાઓ ખાતે સિકલ સેલ નિદાન શિબિરો, આરોગ્ય મેળાઓ, જાગૃતિ રેલીઓ, શેરી નાટકો, તાલીમ કાર્યક્રમો અને પરામર્શ સત્રો યોજાયા હતા. આ કાર્યક્રમો દ્વારા સિકલ સેલના લક્ષણો, નિવારણ, આનુવંશિક સલાહ, સારવારની ઉપલબ્ધ સુવિધાઓ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે માહિતી આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના તથા પરિવારના સભ્યોની સિકલ સેલ માટે તપાસ કરાવે, ખાસ કરીને લગ્ન પૂર્વે અને ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી સ્ક્રિનિંગ કરાવે. સિકલ સેલથી પીડિત દર્દીઓ માટે સરકાર દ્વારા નિઃશુલ્ક તપાસ, દવા, સારવાર અને માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે તેનો લાભ લે.
જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, સિકલ સેલ મુક્ત સમાજના નિર્માણ માટે જનજાગૃતિ અત્યંત જરૂરી છે. લોકો સમયસર નિદાન કરાવે અને આરોગ્ય વિભાગના કાર્યક્રમોમાં સહભાગી બને તો સિકલ સેલના કેસોમાં ઘટાડો લાવી શકાય છે.
ડાંગ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે જિલ્લાના તમામ નાગરિકોને વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોમાંથી પ્રેરણા લઈ “જાગૃતિ–નિદાન–સંભાળ–સહયોગ” ના સંદેશને જનજન સુધી પહોંચાડવા અનુરોધ કર્યો છે.
દરમિયાન વિશ્વ સિકલ સેલ ઉજવણી દિવસ નિમિત્તે સાપુતારા સ્થિત ઋતુમ્ભરા સ્કૂલ ખાતે સિકલ સેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ, અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ વિદ્યાર્થીઓને સિકલ સેલ એનિમિયા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સિકલ સેલ રોગના કારણો, લક્ષણો, સમયસર નિદાનનું મહત્વ તથા બચાવના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઋતુમ્ભરા સ્કૂલના પ્રિન્સિપાલશ્રી, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાપુતારા ઉપરાંત વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો, સબ-સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પણ વિશેષ જાગૃતિ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા સગર્ભા માતાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોને કાઉન્સેલિંગ આપી સિકલ સેલ એનિમિયાના વાહક (Trait) અને દર્દી (Disease) વચ્ચેનો તફાવત સમજાવવામાં આવ્યો હતો. સાથે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોના લોકોને નિઃશુલ્ક સ્ક્રીનિંગ અને બ્લડ ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જરૂરી જણાય ત્યાં દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વહેલા નિદાન, યોગ્ય સારવાર અને સાવચેતીના મહત્વ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આર.બી.એસ.કે. (RBSK) ટીમ, સબ-સેન્ટર, PHC અને CHCની તમામ આરોગ્ય ટીમોએ શાળાઓ તેમજ સમુદાય સ્તરે જાગૃતિ કાર્યક્રમો યોજી સિકલ સેલ રોગ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોગ્ય વિભાગના આ સંયુક્ત પ્રયાસોથી સમાજમાં સિકલ સેલ પ્રત્યેનો ડર દૂર થશે તેમજ લોકો વહેલા નિદાન અને યોગ્ય સારવાર તરફ પ્રેરિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોને સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

