Site icon Gramin Today

સાપુતારા ફરવા જવાનુ વિચારો છો તો સચેત રહો, ઓનલાઇન રૂમ બુકિંગના નામે થઈ છેતરપિંડી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે 

સાપુતારા ફરવા જવાનુ વિચારો છો તો થોડા સાવધાન રહો, ઓનલાઇન રૂમ બુકિંગના નામે થઈ શકે છે છેતરપિંડી જાણો સમગ્ર ઘટના.. 

સાપુતારા: ગુજરાત રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત  રાજસ્થાન  મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સહેલાણીઓ પ્રવાસે આવતાં હોય છે   ત્યારે અજાણ્યા ઈસમોએ એક વેબસાઈટ બનાવી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. સાપુતારા ખાતે આવેલા શ્રી ગજાભિષેક જૈન તીર્થનાં નામની ફેક વેબસાઈટ બનાવીને પ્રવાસીઓનાં રૂમ બુકિંગ કરવાના બહાને ઓનલાઈન યુપીઆઈ આઈડી વડે પૈસા ટ્રાન્સફર કરીને, પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલાને લઈને હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે શ્રી ગજાભિષેક જૈન તીર્થ આવેલું છે. જ્યાં જૈન સંપ્રદાયના સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ માટે રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં બહારથી આવતા પ્રવાસીઓને સરળતાથી ગજાભિષેક જૈન તીર્થ સમાજમાં રૂમ બુકિંગ કરાવી શકે તે માટે તેમના દ્વારા એક વેબસાઈટ બનાવવામાં આવી હતી. જે વેબસાઈટ પર પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરતા હતા અને એડવાન્સ પેમેન્ટ ઓનલાઈન બતાવેલી યુપીઆઈના આધારે કરવામાં આવતું હતું.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી શ્રી ગજાભિષેક જૈન તીર્થ નામની ફેક વેબસાઈટ બનાવીને કોઈક દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અને સાપુતારા ખાતે પ્રવાસે કે દર્શનાર્થે આવતા અલગ અલગ દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ સાથે જઈને તીર્થમાં રૂમ બુકિંગ કરવાના બહાને યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરીને ૨,૫૨૦ રૂપિયા જેટલા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર હકીકતની જાણ થતા શ્રી ગજાભિષેક જૈન તીર્થના મેનેજરે સાપુતારા ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં સાપુતારા પોલીસે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version