Site icon Gramin Today

રાજપીપલામાં સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ખાતે NCD- કોવિડ વેક્સીનેશન કેમ્પ યોજાયો:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

જન્મ લેનાર પ્રત્યેક બાળક સુપોષિત અને તંદૂરસ્ત જન્મે તે દિશામાં સરકાર સતત ચિંતિત અને કટિબધ્ધ છે:-સાંસદ મનસુખભાઇ વસાવા,

આરોગ્ય વિષયક અને પોષણલક્ષી યોજનાઓનો લાભાર્થીઓને મહત્તમ લાભ લેવા ધારાસભ્ય શ્રીમતી. સંગીતાબેન પાટીલનો અનુરોધ, 

“સુશાસન સપ્તાહ ઉજવણી” ના ભાગરૂપે રાજપીપલામાં સરકારી આર્યુવેદિક હોસ્પિટલ ખાતે યોજાયેલા NCD- કોવિડ વેક્સીનેશન કેમ્પ સહિત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને સગર્ભા માતાઓને પોષણ કિટ્સનું કરાયું વિતરણ:

રાજપીપલા, :- રાજ્ય સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨૫ મી થી તા.૩૧ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી હાથ ધરાયેલી રાજ્યવ્પાપી “સુશાસન સપ્તાહ ઉજવણી” ના ભાગરૂપે આજે ત્રીજા દિવસે ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવા, લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, નાંદોદ તાલુકા પંચાયતની કારોબારી સમિતીના અધ્યક્ષ શ્રીમતી અશ્વિનીબેન વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલ, સિવિલ સર્જનશ્રી ડૉ.જ્યોતિબેન ગુપ્તા, ICDS ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ તેમજ આરોગ્ય અને પોષણ વિષયક લાભાર્થીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં સરકારી આર્યુવેદિક હોસ્પિટલના કેમ્પસ ખાતે યોજાયેલા NCD કેમ્પ, આયુષ્યમાન કાર્ડ,અને સગર્ભા માતાને પોષણ કિટ્સ વિતરણ તેમજ કોવિડ વેક્સિનેશન કેમ્પને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

             ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, જન્મ લેનાર પ્રત્યેક બાળક સુપોષિત અને તંદૂરસ્ત જન્મે તે દિશામાં સરકાર સતત ચિંતિત છે અને તે માટેની આરોગ્યલક્ષી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને તેનો લોકો મહત્તમ લાભ લે તે માટે સરકાર કટિબધ્ધ છે. શ્રી વસાવાએ આરોગ્ય વિષયક લોકજાગૃતિ, માહિલા સશક્તિકરણ ક્ષેત્રે નર્મદા જિલ્લામાં નોંધપાત્ર કામગીરી થઇ છે. તેમ જણાવી આયુષ્યમાન કાર્ડ થકી વિવિધ ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે મળતી મદદ લોકો માટે ખૂબજ ઉપયોગી બની હોવાનું તેમણે ઉમેર્યુ હતું. 

             સંસદસભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ વધુમાં ઉમેર્યુ હતું કે, દેશની નદીઓને જોડવાનું કામ પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીજીએ કર્યુ છે. નદીની સ્વચ્છતા માટેના અભિયાનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને જોડીને નદીઓની સ્વચ્છતાનું સ્વપ્ન પૂર્ણ કરશે.

લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ ધ્વારા ઘનિષ્ટ સર્વેલન્સ કરીને જરૂરિયાતમંદ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી પ્રાપ્ત થયેલ લાભોને લીધે ગરીબ પરિવારોને ગંભીર પ્રકારની બિમારીઓની સારવાર માટે ખૂબજ ઉપયોગી બનેલ છે. ICDS વિભાગ ધ્વારા પણ સગર્ભા-ધાત્રી માતાઓ અને ૧૧ થી ૧૮ વર્ષની દિકરીઓને અપાતા પોષણ આહારને લીધે તેમની પોષણ ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયેલ છે, ત્યારે આ તમામ યોજનાઓના લાભાર્થીઓને તેનો મહત્તમ લાભ લેવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

       આ પ્રસંગે સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા અને ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સહિતના મહાનુભાવોના હસ્તે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને સગર્ભા માતાઓને પોષણ કિટ્સનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પોષણ વિશે વિડીયો સ્ક્રોલનું નિદર્શન પણ કરાયું હતું.

      પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી.પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી વિપુલ ગામીતે આભારદર્શન કર્યુ હતું.   

Exit mobile version