Site icon Gramin Today

બંધારપાડા PHC ખાતે લોકોને વેક્સિન વિશે માહિતગાર કરીને રસીનો ડોઝ લેવાની અપીલ કરાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

બંધારપાડા પી.એચ.સી ખાતે લોકોને વેક્સિન વિશે માહિતગાર કરીને રસીનો ડોઝ લેવાની અપીલ કરાઈ:

વારસાગત સિકલસેલ રોગથી પિડાતા લોકોને કોરોના પ્રતિરોધક રસી લેવી ખુબ જ જરૂરી;

 વ્યારા-તાપી: વિશ્વવ્યાપી કોરોના મહામારીએ જે રીતે હાહાકાર મચાવ્યો તેનાથી કોઈ દેશ કે રાજ્ય બાકાત નથી. કોરોનાકાળ સૌ કોઇ માટે એક પડકાર સમાન છે જેમાંથી બહાર નિકળવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ તાપી જિલ્લામાં કોરોના કેસો નહિવત પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્રની જહેમત ભરી કામગીરી બાદ જિલ્લામાં કોરોના કેસોને કાબુ કરવામાં સફળતા મળી છે. જિલ્લા વહિવટી તંત્ર સાથે રસીકરણ ઝૂંબેશમાં લોકો તરફથી જે રીતે સહયોગ મળ્યો તે ખરેખર સરાહનિય છે. લોકોએ ઉત્સાહભેર રસીનો ડોઝ લઈ પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કર્યા છે.
બહુધા આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં ઘણાં લોકો વારસાગત રોગ સિકલસેલથી ઘેરાયેલા છે આ એક મોટી સમસ્યા છે આ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી આજે બંધારપાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલસેલ રોગ ધરાવતા લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં તેઓને કોરોનામાં કઈ રીતે કાળજી રાખવી તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં લોકોને કોરોનાથી બચવા માટે શ્રેષ્ઠ અને અસરકારક હથિયાર કોરોના પ્રતિરોધક રસી વિશે માહિતી આપવામાં આવી હતી. લોકોને રસીકરણના ફાયદા વિશે સમજાવીને રસીનો ડોઝ લેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં સોનગઢના બંધારપાડા પી.એચ.સી.ના ડો. સુજાતા પટેલ અને ડો. પરિમલ પટેલ તથા પીએચસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટીમ દ્વારા વારસાગત બિમારીથી પિડાતા દર્દીઓને કોરોનાથી રક્ષણ મેળવવા માટે વહેલી તકે રસીનો ડોઝ લેવા અપીલ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

Exit mobile version