શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા “ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટી”ની ગવર્નિંગ બોડીની રચના કરવામાં આવી:
તાપી જિલ્લામાં આયુષ સેવાઓ વધારે સદ્રઢ અને ગુણવત્તા સભર બનાવવાનો આગ્રહ કરતા જિલ્લા:- કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયા
વ્યારા-તાપી: નિયામક આયુષ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા દરેક જિલ્લા માટે “ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટી” ની રચના કરવા જણાવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં તાજેતરમાં જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં તાપી જિલ્લા ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની રચના કરવામાં આવી હતી.
તાપી જિલ્લા ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીના ચેર પર્સન જિલ્લા કલેકટરશ્રી અને કો-ચેર પર્સન જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા મેમ્બર સેક્રેટરી અને સી.ઇ.ઓ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી રહેશે. આ ઉપરાંત પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત, DRDA ડાયરેક્ટરશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, પ્રોગ્રામ ઓફિસર, ICDS, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી, આર. & બી. પંચાયત, કાર્યપાલક ઇજનેરશ્રી, PIU, SMPB ના પ્રતિનિધિ, બાગાયત મિશનના પ્રતિનિધિ, ઇન્ચાર્જ ડ્રગ ઇન્સપેકટર,વન વિભાગના પ્રતિનિધિ, આરોગ્ય સાથે સંકળાયેલ NGO ના સભ્યો, તથા આરોગ્ય સિવાય અન્ય ક્ષેત્રના NGO ના સભ્યો આ ગવર્નિંગ બોડીના સભ્યો તરીકે સેવા આપશે.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આયુષ સેવાઓ વધારે સદ્રઢ અને ગુણવત્તા સભર બનાવવા તથા નાગરિકોના સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે વિવિધ પ્રકારની આયુષ પ્રવૃતિઓ સહિત વિવિધ પ્રોગ્રામોનું સુચારૂ આયોજન આ ગવર્નિંગ બોડી દ્વારા જિલ્લામાં થાય તે જરૂરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, નેશનલ આયુષ મિશનનો હેતુ આરોગ્ય વિષયક સેવાઓમાં સુધારો કરીને સમગ્ર જિલ્લામાં વ્યાજબી, અસરકારસ અને સમાન આયુષ આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે. આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા આયુષ સિદ્ધાંતો અને પ્રથાઓ પર આધારિત પ્રિવેન્ટીવ અને પ્રમોટિવ આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરીને, રોગનો બોજ અને સારવાર ખર્ચ ઘટાડવા માટે એક સર્વગ્રાહી વેલનેસ મોડલ સ્થાપિત કરવાની સાથે PHC, CHC અને DHs પર આયુષ સુવિધાઓના સહ-સ્થાન દ્વારા જરૂરિયાતમંદ લોકોને માહિતગાર કરી તેઓને સારવાર માટેની પસંદગી પૂરી પાડવી છે. જેના પરિણામે એક જ સ્થાન પર વધુમાં વધુ તબીબી સેવાઓની ઉપલબ્ધ કરાવી આયુષ પ્રણાલીઓને પુનર્જીવિત કરી શકાય.
અ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા, જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.જયશ્રી ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.