Site icon Gramin Today

તાપી જિલ્લાના ઊંચામાળા ગામના ૬૫ વર્ષીય કેશનજીભાઇ ગામીતની બે કિડની અને લીવરનું અંગદાન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ

સુરત નવી સિવિલ હોસ્પિટલથી ૭૬મુ અંગદાન: તાપી જિલ્લાના ઊંચામાળા ગામના ૬૫ વર્ષીય કેશનજીભાઇ ગામીતની બે કિડની અને લીવરનું અંગદાન

નવી સિવિલના તબીબોના પ્રયાસોના પરિણામે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને મળશે નવજીવન

આદિવાસી પરિવારમાં અંગદાનની આગવી સમજ અને ઉમદા ભાવના: ‘‘અમારા પરિવારે ડાયાલિસિસ અને કિડનીની પીડા અનુભવી છે, અંગદાન એ કન્યાદાન કરતા પણ મોટું દાન છે’’

સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ થવાના કિસ્સાઓમાં મહત્તમ અંગદાન થઈ રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામના બ્રેઈનડેડ ૬૫ વર્ષીય કેશનજીભાઇ છગનભાઇ ગામીતના અંગોના દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે ૭૬મુ સફળ અંગદાન થયું છે.
ઊંચામાળાના ડુંગરી ફળિયામાં રહેતા કેશનજીભાઇ છગનભાઇ ગામીત તા.૧૭મી ઓગસ્ટના રોજ બપોરે ૧.૦૦ વાગ્યે ચક્કર આવતા પડી ગયા હતાં અને માથાના ભાગે ઈજા થવાથી પરિવારજનો ૧૦૮ એમ્બ્યુલન્સમાં વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજા હોવાથી સારવાર બાદ સ્વાસ્થ્યમાં સુધાર ન જણાતા તબીબના જણાવ્યા પ્રમાણે વધુ સારવાર માટે બપોરે ૩.૪૫ વાગ્યે ૧૦૮ સેવા મારફતે સુરતની નવી સિવિલમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
તા.૨૧મી ઓગસ્ટે રાત્રે ૧૦.૦૦ વાગ્યે આર.એમ.ઓ ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલ, ન્યુરોસર્જન ડો.કેયુર પ્રજાપતિએ કેશનજીભાઇને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સોટોની ટીમના ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે કેશનજીભાઇનાં પત્ની દીકરા-દિકરી અને પરીવારના સભ્યોને સહિત પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. કેશનજીભાઇના પત્ની અને પરિવારે અંગદાનના પૂણ્યકાર્યમાં સંમતિ આપીને માનવતાની ફરજ નિભાવી હતી. ગામીત પરિવારે સમંતિ આપતા અંગદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. બે કિડની અને લીવર અમદાવાદની IKDRC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ આદિવાસી પરિવારમાં અંગદાનની આગવી સમજ અને ઉમદા ભાવના જોવા મળી હતી. અંગદાન અગાઉ રાત્રે પ્રાર્થનાસભામાં અંગદાતા પરિવારે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં ડાયાલિસિસ અને કિડનીની પીડા અનુભવી છે. અંગદાન એ કન્યાદાન કરતા પણ મોટું દાન છે.
રાત્રે અંગદાતાની પ્રાર્થનાસભામાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા શ્રી દિલીપદાદા દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા, દિલીપદાદાએ ગામીત પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું હતું કે, સમાજમાં જનજાગૃતિ ફેલાય અને બ્રેઈનડેડ કિસ્સામાં મહત્તમ અંગદાન થાય તે ખૂબ મહત્વનું છે, જેથી કોઈને નવજીવન આપવાનું પૂણ્યકાર્ય થઇ શકે. અંગદાનથી મોટી જનસેવા બીજી કોઈ ના હોઈ શકે.
નવી સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ સફળ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી.

Exit mobile version