Site icon Gramin Today

તાપીમાં કોરોના સંક્રમણની બીજી લહેરને અટકાવવા માટે કલેક્ટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં વેબ મિટીંગ યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર

તાપી જીલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેરને અટકાવવા માટે આજરોજ કલેક્ટરશ્રી. આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં વેબ મિટીંગ યોજાઈ:

કોવિદ-૧૯ની બીજી લહેરને કાબુમાં લેવા અને પુન: શરૂ થયેલા રસીકરણ કાર્યક્રમને વેગવાન બનાવવા તાકીદ:

 વ્યારા-તાપી: હાલ ચાલી રહેલ કોવિદ-૧૯ની બીજી લહેરને કાબુમાં લેવા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લામાં કોરોનાની ઓછામાં ઓછી અસર વર્તાય તે માટે વહીવટીતંત્ર દ્વારા લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં વર્તમાન કોરોના પરિસ્થિતિ તથા રસીકરણ કામગીરી સંદર્ભે સમીક્ષા કરવા કલેક્ટર આર.જે.હાલાણીએ જિલ્લા/તાલુકાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં હાથ ધરાયેલ કામગીરીની તાલુકાવાર સબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. કોરોનાના સંક્રમણ સામે સઘન પગલાં લેવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં પુન:શરૂ થયેલા રસીકરણ અભિયાનને ફરી સઘન બનાવવા તથા વધુને વધુ લોકો રસી લેવા આગળ આવે તે માટે લોકજાગૃતિ માટે સરપંચ, તલાટી સાથે શિક્ષકો, ગ્રામ્ય આગેવાનો સામેલ કરવા અંગે સુચન કરવામાં આવ્યું હતુ. કલેક્ટરશ્રીએ આ કામગીરીને ગંભીરતાથી લઈ લોકોને સુરક્ષા પ્રદાન કરવાની કામગીરી કરવા તમામ અધિકારીઓને સુચના આપી હતી. આ ઉપરાંત કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોવિદ-૧૯ની તમામ ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા અધિકારીઓને સ્પષ્ટપણે તાકીદ કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદાર, અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, પ્રાંત અધિકારી હિતેષ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હર્ષદ પટેલ, ચીફ મેડીકલ ઓફીસર ડૉ.નૈતિક ચૌધરી, મામલતદાર વ્યારા બી.બી. બાવસાર તથા તમામ તાલુકાના લાયઝન અધિકારીઓ, મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી, પ્રાથમિક/માધ્યમિક શિક્ષણાધિકારી, તાલુકા હેલ્થ અધિકારીઓ વેબના માધ્યમથી જોડાયા હતા.

Exit mobile version