શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
જિલ્લા સેવા સદન વ્યારા ખાતે ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો: પંચકર્મ ઉપચાર જુના અને હઠીલા રોગોમાં લાભદાયી નિવડશે:
હોસ્પિટલમાં દાખલ થયા વિના વિવિધ રોગોમાં સંપૂર્ણ આયુર્વેદ ચિકિત્સાનો લાભ મળશે:
વ્યારા: નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આજે જિલ્લા સેવા સદન બ્લોકનં.૧૩ના ભોય તળિયે આયુર્વેદા ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભ તાપી જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર એચ.કે.વઢવાણીયા, જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા અને પૂર્વ કલેક્ટર હલાણીના હસ્તે કરવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમવાર શરૂ થયેલ આ સેન્ટરમાં હોસ્પિટલમાં દાખલ થયા વિના વિવિધ શારીરિક અને માનસિક રોગોની સંપૂર્ણ આયુર્વેદ ચિકિત્સાનો લાભ મળી શકશે. ખાસ કરીને જુના તથા હઠીલા રોગોમાં લાભદાયી પરિણામ મળી શકે તે હેતુથી આ પંચકર્મ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે પૂર્વ કલેક્ટર આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડીયા, પોલિસ વડા સુજાતા મજમુદાર, નાયબ વનસંરક્ષકશ્રી આનંદકુમાર, અધિક નિવાસી કલેક્ટર બી.બી.વહોનીયા,આયુર્વેદ વિભાગના ડોક્ટરો સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વૈદ્ય ડો.જયશ્રીબેન ચૌધરીએ ડે પંચ કર્મ સેન્ટરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા.