Site icon Gramin Today

આજે તા.૨૧ મી જૂને વિશ્વ યોગ દિવસે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો થનારો શુભારંભ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લામાં આજે તા.૨૧ મી જૂને વિશ્વ યોગ દિવસે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો થનારો શુભારંભ:

ઓન ધ સ્પોટ રેજિસ્ટ્રેશન સાથે નર્મદા જિલ્લામા એક સાથે ૪૦ સ્થળોએ ‘રસીકરણ’ કરાશે : પ્રજાજનોને લાભ લેવા જાહેર અનુરોધ:

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનાં આયોજનને અપાયેલો આખરી ઓપ;

નર્મદા, રાજપીપલા :- સમગ્ર ગુજરાતમાં તા.૨૧ મી જૂન, ૨૦૨૧ ના રોજ વિશ્વ યોગદિવસથી કોવિડ વેક્સિનેશનના હાથ ધરાનારા રાજ્યવ્યાપી મહાઅભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ જુદા જુદા ૫ તાલુકાઓમાં નિયત કરાયેલી ૨૫ જેટલી સેશન સાઈટ-રસીકરણ કેન્દ્રો ખાતે વિવિધ મહાનુભાવો /પદાધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં તેનો શુભારંભ કરાશે. તદ્ઉપરાંત જિલ્લાના અન્ય ૧૫ જેટલા રસીકરણ કેન્દ્રો મળી જિલ્લામાં કુલ-૪૦ જેટલા રસીકરણ કેન્દ્રો ખાતે દરરોજ ૧૦૦ લાભાર્થીઓને રસીકરણ કરાય તેવા આયોજન સાથે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે, તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી. પલસાણાએ જણાવ્યું હતું. આ અભિયાન દરમિયાન ૧૮ થી ૪૪ ની વય ધરાવનારા અને ૪૫ થી વધુની વયના એમ દરેક લાભાર્થીઓના ઓન ધ સ્પોટ રેજિસ્ટ્રેશન સાથે જિલ્લામાં નિયત રસીકરણ કેન્દ્રો ખાતે એક સાથે ‘રસીકરણ’ કરાશે, જેનો પ્રજાજનોને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.

નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે આજે પ્રાંત અધિકારીશ્રી કે. ડી. ભગત, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન.યુ.પઠાણ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત, એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી આર.એસ.કશ્યપ, તાલુકા મામલતદારશ્રીઓ-તાલુકા વિકાસ અધિકારીશ્રઓ જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાના અધ્યક્ષપદે કોવિડ વેક્સિનેશનના આ મહાઅભિયાનના સુચારા આયોજન અંગે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી પલસાણાએ જણાવ્યું હતું કે, જે તે ગામ- વિસ્તારના લોકો પોતાના પોલિંગ સ્ટેશનથી પરિચિત હોવાને લીધે તે મુજબ જ કોવિડ વેક્સિનેશન માટેના સ્થળો-કેન્દ્રો નિયત કરાયાં છે. ત્યારે લાભાર્થી પ્રજાજનો આ વેક્સિનેશનનો અચૂક લાભ લઈ પોતે સુરક્ષિત રહેવાની સાથે પોતાની સાથે સંપર્કમાં આવનાર અન્ય લોકોને અને પોતાનો પરિવાર પણ કોરોનાના સંક્રમણથી સુરક્ષિત રહે તે જરૂરી છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી પલસાણાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર પહેલા જો આપણે ૭૦ થી ૮૦ ટકા જેટલું વેક્સિનેશન કરીશું તો ત્રીજી લહેરના મુકાબલા માટે પ્રસાશન તરફથી આગોતરા આયોજન હેઠળ કરાયેલી તૈયારીના ઉપયોગની કોઈ જરૂરિયાત ઊભી થશે નહિ તેવા દ્ઢ વિશ્વાસ સાથે જિલ્લાના વિવિધ વિભાગીય અમલીકરણ અધિકારીઓને પણ ક્ષેત્રિય પ્રવાસ દરમિયાન યોજનાકીય લાભાર્થીઓ સુધી આ સંદેશો પહોંચાડી વેક્સિનેશનનની કામગીરી સઘન રીતે થાય તેવા પ્રયાસો માટે તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

ઉક્ત બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, તા.૨૧ મી જૂનના રોજ કોવિડ વેક્સિનેશનના મહાઅભિયાનનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આરંભ થવાનો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત તમામ નોડલ, લાયઝન સહિતની અન્ય સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે આજે બેઠક યોજીને સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ ગોઠવવાની સાથે તેને આખરી ઓપ અપાયો છે. આ અભિયાન દરમિયાન સામાજિક/સ્વૈચ્છિક સંગઠનો, યુવક મંડળો, સંતો-મહંતો, ધાર્મિક આગેવાનો, ગામ આગેવાનો વગેરેનો જિલ્લા પ્રશાસન દ્વારા જરૂરી સહકાર મેળવીને આ કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તેવા પ્રયાસો થઈ રહ્યાં હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતુ.

Exit mobile version