Site icon Gramin Today

બાળકો માટે કોરોના રસીકરણનો શુભારંભ કરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડાના ખટામ ખાતેથી ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણનો શુભારંભ કરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા;

૧૨ થી ૧૪ વર્ષના વયના બાળકોને કોરોના વેક્સીનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલા અભિયાનમાં દેડીયાપાડાના ખટામ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની ઉપસ્થિતિમાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.

નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના એકપણ બાળક કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લામાં રાજપીપલા શહેરી વિસ્તાર સહિત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩૫ જેટલા સેન્ટરો ખાતેથી કોર્બેવેક્સ વેક્સીનેશનની રસી આપવામાં આવી રહી છે. જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષની વયના કુલ-૩૨ હજાર જેટલા બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ તબક્કાવાર વેક્સીનેશન ચાલી રહ્યુ છે. ત્યારે ૧૨ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ૧૫ થી ૧૮ વર્ષના વયજૂથના કિશોરોને કોવિડ-૧૯ ની વેક્સીન આપવા ઉપરાંત ૬૦ વર્ષથી વધુ વયના સિનીયર સિટીઝનને વેક્સીનનો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ રસીકરણ અભિયાનનો ખટામ ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન દ્વારા તબક્કાવાર પાત્રતા ધરાવતા ૧૫ થી વધુની વયના લોકોને કોવિડની રસી આપવામાં આવી રહી છે. જેનો શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ ખૂબ જ ઉત્સાહથી વેક્સીન લઇને કોરોના સંક્રમણને અટકાવી શકવામાં સફળ બન્યાં હોવાનું જણાવ્યું હતું.

શ્રીમતી વસાવાએ વધુમાં આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાનમાં જિલ્લાના તમામ ૧૨ થી ૧૪ વર્ષની વય ધરાવતા બાળકોએ પ્રથમ ડોઝ લઇ ૨૮ દિવસ બાદ સમયસર નજીકના કેન્દ્ર પર રસીનો બીજો ડોઝ પણ લઇ લેવા અપીલ કરી છે.

દેડીયાપાડાના ખટામ ખાતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામીત સહિત આરોગ્ય કર્મીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યાં હતા.

Exit mobile version