Site icon Gramin Today

બરડીપાડા ગામે ‘એનીમિયા (પાંડુરોગ) અને સારવાર’ વિષય ઉપર ઇન-સર્વિસ તાલીમ યોજાઇ :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા બરડીપાડા ગામે ‘એનીમિયા (પાંડુરોગ) અને સારવાર’ વિષય ઉપર ઇન-સર્વિસ તાલીમ યોજાઇ: 

તાપી :  કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી દ્વારા ડોલવણ તાલુકાના બરડીપાડા ગામે તાજેતરમાં ‘એનીમિયા(પાંડુરોગ) અને સારવાર’ વિષય પર ઇન-સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જીવન વહળ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ તાલીમમાં ડોલવણ તાલુકાના વિવિધ ગામમાં કાર્ય કરતી કુલ ૨૦ આગેવાન મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયા અટકાવવા માટે જરૂરી જાગૃતિ લાવવાનો હતો.

તાલીમ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ તાલીમાર્થીઓને જુદાજુદા પ્રકારના એનીમિયા, એનીમિયા થવાના કારણો, એનીમિયાના ચિહ્નો, એનીમિયા અટકાવવાના ઉપાયો, હીમોગ્લોબીન વધે તે માટે જરૂરી ખાદ્યપદાર્થો, સિકલસેલ એનીમિયા વિષે સમજ, તેના પ્રકાર, આદિવાસી સમાજમાં સિકલસેલ એનીમિયા અટકાવવા માટે જાગૃતતા વિગેરે વિશે સવિસ્તાર તાલીમ લેક્ચર તેમજ જૂથચર્ચા દ્વારા માહિતી આપી હતી. તાલીમ દરમ્યાન તાલીમ પૂર્વે અને તાલીમ બાદ તાલીમાર્થીઓનું પ્રશ્નોત્તરી આપી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તાલીમના આયોજન માટે જીવન વહળ ટ્રસ્ટ, બરડીપાડાના સીસ્ટર ચીનામ્મા અને શ્રીમતી ઇન્દુબેન ચૌધરી અને શ્રીમતી મધુબેન કોંકણી મદદરૂપ થયા હતા. તાલીમના અંતે, જીવન વહળ ટ્રસ્ટ, બરડીપાડાના કાર્યકર શ્રીમતી જીજ્ઞેશા ગામીતએ આભારવિધિ કરી હતી.

પત્રકાર: કીર્તનકુમાર , તાપી

Exit mobile version