Site icon Gramin Today

ઘાયલ પશુપક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા 

ડાંગ જિલ્લામા આજ થી શરૂ થશે ‘કરૂણા અભિયાન’ : 

ઘાયલ પશુપક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરાયા :

આહવા : રાજયના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામા તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી-૨૦૨૩ દરમિયાન ચાલનારા ‘કરૂણા અભિયાન’ ને અસરકારક બનાવી, મુંગા પશુપક્ષીઓના જીવન બચાવવામા સૌને પરસ્પર સંકલન સાથે કામગીરી હાથ ધરવાની ડાંગ કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ હિમાયત કરી છે.

 પ્રતિવર્ષ ઉત્તરાયણના તહેવારો સાથે યોજાતા ‘કરૂણા અભિયાન’ દરમિયાન ઘાયલ પશુપક્ષીઓની સારવાર અને સુશ્રુષા ઉપર, રાજય સરકાર દ્વારા વિશેષ લક્ષ કેન્દ્રિત કરીને ‘જીવદયા’ ની ભાવના જગાવવામા આવે છે.

 આ વર્ષે પણ ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ‘કરૂણા અભિયાન’ ના ભાગરૂપે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઈ, અને સુબિર ખાતે ઘાયલ પશુપક્ષીઓની સારવાર સાથે વિશેષ ટીમની રચના કરી કામગીરી હાથ ધરવામા આવશે.

 જે મુજબ આહવા તાલુકા માટે પશુ દવાખાનુ-આહવા (સંપર્ક નંબર : ૯૭૨૪૯ ૮૬૬૦૪, ૯૪૦૮૮ ૦૬૬૧૪), વઘઈ તાલુકા માટે પશુ દવાખાનુ-વઘઈ (સંપર્ક નંબર : ૯૭૨૬૮ ૫૦૨૪૮, ૯૪૨૭૨ ૩૮૫૧૩) તથા સુબિર તાલુકા માટે પશુ દવાખાનુ-સુબિર (સંપર્ક નંબર : ૮૨૦૦૮ ૫૫૯૮૮, ૯૪૨૬૫ ૦૧૩૬૬) નંબરો જાહેર કરાયા છે.

 ઉક્ત નંબરો ઉપર જિલ્લાના પ્રજાજાનો ઘાયલ પશુપક્ષીઓ વિશેની જાણકારી સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી આપી શકે છે.

 ‘કરૂણા અભિયાન’ અંતર્ગત આયોજિત બેઠકને સંબોધતા કલેક્ટર શ્રી જાડેજાએ ઘાયલ પશુપક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે સ્થાનિક વન વિભાગના સંકલન સાથે, આ અભિયાન અંગે વ્યાપક જન જાગૃતિ કેળવવા અર્થે, શિક્ષણ વિભાગના સહયોગ સાથે શાળા કક્ષાએ જનજાગૃતિ કાર્યક્રમો, હોર્ડિંગ્સ-બેનર્સ પ્રદર્શિત કરવા જેવા મુદ્દે ઉપયોગી માર્ગદર્શન પૂરૂ પાડ્યુ હતુ.

 સાથે જિલ્લામા ચાઈનીઝ માંજો, પતંગ, તુક્કલ વિગેરેના ઉપયોગ ઉપર રોક લગાવવા પોલીસ વિભાગ સઘન કાર્યવાહી કરી રહી છે, જેમા સૌને જાગૃતિ સાથે સહયોગી બનવાની અપીલ કરી હતી.

 ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ‘કરૂણા અભિયાન’ ની બેઠકમા નિવાસી અધિક કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ, ACFશ્રીઓ, સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનુ સંચાલન પશુપાલન અધિકારીઓ શ્રી હર્ષદ ઠાકરેએ કર્યું હતુ.

Exit mobile version