શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાની આંગણવાડીઓમાં ભુલકાઓના શિક્ષણનો શુભારંભ:
સમગ્ર જિલ્લામાં ૧૩ હજારથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો:
તાપી જિલ્લા અધિકારીએ ગોરૈયા આંગણવાડી ખાતે બાળકોને શૌક્ષણિક કીટ અર્પણ કરી આવકાર્યા:
વ્યારા-તાપી: સમગ્ર વિશ્વમાં વ્યાપેલ મહામારી કોવિડ-૧૯ના પગલે બાલમંદિરથી લઇ કોલેજ સુધી વિદ્યાર્થીઓનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં ઓનલાઇન અભ્યાસનો પ્રારંભ થતા નાનાભુલકાઓને આંગણવાડી બહેનો દ્વારા ઘરે-ઘરે જઇ અભ્યાસ અને પુરક પોષણ પ્રદાન કરવામાં આવતું હતું. બે વર્ષ બાદ તાજેતરમાં શિક્ષણ મંત્રીશ્રી દ્વારા ભુલકાઓ માટે ઓગણવાડીના દ્વારા ખોલવાની જાહેરાત થતા આજરોજ તાપી જિલ્લામાં કુલ-૧૦૪૯ આંગણવાડીમાં માતાપિતાની સંમતિ સાથે કુલ-૧૩,૨૩૩ બાળકોએ પ્રવેશ મેળવી હોંશે હોંશે શિક્ષણની પાપાપગલીનો પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે તાપી જિલ્લા અધિકારી ડી.ડી.કાપડીયા અને આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ દ્વારા વ્યારા તાલુકાના ગોરૈયા ગામની આંગણવાડીની મુલાકાત લઇ બાળકો, માતા-પિતાનો ઉત્સાહ પૂર્વક સ્વાગત કરી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોને બારાક્ષરીની ચોપડી, પેન્સીલ, કલરની કીટ અને ફુલની ભેટ આપી શિક્ષણકાર્યનો શુભારંભ કરાવ્યો હતો. ડી.ડી.ઓશ્રીએ ઉપસ્થિત માતાપિતાને બાળકોને માસ્ક પહેરી મોકલવા અને બાળકમાં કોઇ બીમારીના લક્ષણ જણાય તો તુરંત જાણ કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત આંગણવાડીના કાર્યકર બહેનોને કોરોના બાબતે તમામ તકેદારી રાખવા અને બાળકોને પણ હાથ ધોવડાવી સ્વચ્છતા જાળવવા ખાસ સુચના આપી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જસુબેન, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃતિ સમિતિના અધ્યક્ષ કુસુમબેન વસાવા, કોર્પોરેટર રીનાબેન સહિત બાળકોના માતાપિતા ઉપસ્થિત રહ્યા હતા. ભુલકાઓ આંગણવાડીમાં પ્રવેશ મેળવતા ખુશખુશાલ થયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, આ તમામ પ્રક્રિયા કોરોના માર્ગદર્શિકાને અનુસાર અને ભવિષ્યમાં પણ દરેક આંગણવાડી કેન્દ્ર ઉપર માર્ગદર્શિકાના ચોક્કસ પાલન સાથે શિક્ષણ કાર્ય આગળ ધપાવવામાં આવશે એમ આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.