Site icon Gramin Today

ડાંગના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરની મુલાકાત બની ગૌરવ અને પ્રેરણાનું સંભારણું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યૂઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરની મુલાકાત બની ગૌરવ અને પ્રેરણાનું સંભારણું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આત્મીય સંવાદથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહની લહેર

દિનકર બંગાળ, ડાંગ : પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગ સંચાલિત સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ (ડાંગ) ના ધોરણ–૧૦ ના વિદ્યાર્થીઓ માટે તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫, બુધવારના રોજ ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણીમ સંકુલમાં એક યાદગાર અને પ્રેરણાદાયી શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાન, અનુભવ અને ઉત્સાહથી ભરપૂર સાબિત થયો છે.

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિદ્યાર્થીઓ સાથે અત્યંત હળવાશભર્યો, ઉષ્માભેર અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં અવિરત મહેનત, શિસ્તબદ્ધ જીવનશૈલી અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના પ્રેરક શબ્દોથી વિદ્યાર્થીઓમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો હતો. આ અવસરે રાજ્યના કૃષિમંત્રીશ્રી જીતુભાઇ વાધાણી પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ માટે ગરમ નાસ્તા તથા તાજગીભર્યા જ્યુસની સુંદર વ્યવસ્થા કરાવી પોતાની સંવેદનશીલતા અને માનવિય અભિગમનો પરિચય આપ્યો હતો. સતત બેઠકોથી વ્યસ્ત સમયપત્રક હોવા છતાં મુખ્યમંત્રીશ્રીએ વિશેષ સમય ફાળવી ડાંગ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અડધો કલાક વિતાવ્યો અને તેમના પ્રત્યેની લાગણી, કાળજી અને આત્મીયતા સ્પષ્ટ રીતે વ્યક્ત કરી હતી.

 

આ પ્રસંગે પૂજ્ય સ્વામીજીએ શાળાની વિશેષતાઓ, ગુણવત્તાયુક્ત શૈક્ષણિક કાર્ય, વિદ્યાર્થીઓની વિવિધ સહપાઠ્ય પ્રવૃત્તિઓ તેમજ પ્રાપ્ત થયેલી નોંધપાત્ર સિદ્ધિઓ અંગે મુખ્યમંત્રીશ્રીને વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ શાળાની કામગીરીની પ્રશંસા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથેની આ સ્મરણિય મુલાકાત વિદ્યાર્થીઓ માટે જીવનભર પ્રેરણારૂપ, યાદગાર અને ગૌરવભર્યું સંભારણું બની ગઈ છે.

Exit mobile version