શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
શ્રીયમ એમ.પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપુરનું ધોરણ-10માં 95.83% તેજસ્વી પરિણામ:
કમલેશ ગાવિત, વાંસદા: ગંગપુર સ્થિત ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ.પી. કાપડિયા વિદ્યામંદિર દ્વારા ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શાળા તેમજ સમગ્ર ગંગપુર વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા રહ્યું છે, જ્યારે ગંગપુર કેન્દ્રનું પરિણામ 89.54 ટકા નોંધાયું છે. આ દરમિયાન શાળાએ 95.83 ટકા જેટલું શાનદાર પરિણામ મેળવી નવી સિદ્ધિ હાંસલ કરી છે.
શાળામાંથી કુલ 72 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી બહુમતી વિદ્યાર્થીઓ ઉત્તમ ગુણ સાથે પાસ થયા છે. પરિણામમાં આયુષી વિજયભાઈ ભગરીયાએ 600માંથી 516 ગુણ મેળવી 86 ટકા સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે જેશમિની પરભુભાઈ દેશમુખે 513 ગુણ સાથે 85.5 ટકા મેળવી દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. હેત્વીબેન ધર્મેન્દ્ર પઢેરે 507 ગુણ સાથે 84.5 ટકા મેળવી તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના મંત્રી વિશ્વરૂપાનંદ મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા. સંસ્થાના ચીફ લાયઝન ઓફિસર નિમિષ વ્યાસે વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના ડાયરેક્ટર કિશોરભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર ભાવેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હિંમત ચૌહાણે પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકવર્ગને અભિનંદન પાઠવ્યા હતા.
શાળાના આચાર્ય મણિલાલ પટેલ તથા ધોરણ-10ના શિક્ષક પરિવાર, ગૃહપતિ રાજુભાઈ, જીતુભાઈ ભગરીયા અને આનંદભાઈએ વિદ્યાર્થીઓને સફળતા અપાવવા માટે કરેલી અથાગ મહેનતને સૌએ બિરદાવી હતી. સમગ્ર સંસ્થા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

