શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ગંગપુર ખાતે ધોરણ 8, 10 અને 12 માટે શુભેચ્છા સમારોહ યોજાયો :
કમલેશ ગાવિત, વાંસદા : ભારત સેવાશ્રમ સંઘ, ગંગપુર સંચાલિત શ્રીયમ એમ. પી. કાપડિયા વિદ્યામંદિર, ગંગપુર ખાતે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ ધોરણ 8, 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ ઉત્સાહ અને ભાવનાત્મક માહોલ વચ્ચે યોજાયો હતો.
આ પ્રસંગે સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજના પ્રાધ્યાપક ડૉ. ગૌતમભાઈ આર. ગાયકવાડ સાહેબ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉત્તમ ગુણ પ્રાપ્ત કરી શાળા અને સંસ્થાનું નામ ઉજળું કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.
તેમજ વનાચલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઘોડમાળના આચાર્ય શ્રી રમેશ ભગરીયા સાહેબે વિદ્યાર્થીઓને શિક્ષણપ્રેરક માર્ગદર્શન આપી આત્મવિશ્વાસ અને લક્ષ્યપ્રાપ્તિ માટે પ્રેરિત કર્યા હતા.
સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ કાર્યક્રમમાં વ્યક્તિગત ઉપસ્થિત ન રહી શક્યા હોવા છતાં ટેલિફોનિક માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય શ્રી મણિલાલ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હિમ્મત ચૌહાણ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી ભાવેશ પટેલ, તેમજ શ્રી જિતેન્દ્ર ભગરીયા, જયંતી ગાંવિત, ધનસુખ ગાંવિત, બિપીનભાઈ પટેલ, કલ્પેશભાઈ અને ટ્વિંકલભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
ધોરણ 10 અને 12 ની શિક્ષિકા બહેનો પ્રિયંકાબેન, તૃપ્તિબેન, મિતીષાબેન તથા બકુલાબેને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અરુણભાઈ પટેલ અને બિપીનભાઈ પટેલે કુશળતાપૂર્વક કર્યું હતું.
શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહનરૂપે ભેટ સ્વરૂપે પાંચ બોલપેન આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને ભાવવિભોર બન્યા હતા અને લાગણીઓથી ભરપૂર સ્મરણિય ક્ષણો સર્જાઈ હતી.

