Site icon Gramin Today

LCB અને વન વિભાગની સંયુક્ત ટીમે ખામર ચોકડી નજીકથી ખેરના લાકડા ભરેલ ટ્રક ઝડપી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

નર્મદા LCB અને વન વિભાગની સંયુક્ત ટીમે રાજપીપળા પાસેના ખામર ચોકડી નજીકથી ખેરના લાકડા ભરેલ ટ્રક ઝડપી પાડી હતી, 

વલસાડ થી ખેરના લાકડા ભરી મધ્યપ્રદેશના ઇન્દોર તરફ સગેવગે થતા 11 ટન ખેરના લાકડા ઝડપી ટ્રક ચાલક સહિત ક્લીનરની અટકાયત કરી લાખો નો મુદ્દામાલ જપ્ત

નર્મદા: 31, ડિસેમ્બર ની ઉજવણી કરવાનો થનગનાટ અને જોમ જુસ્સો અને ઉમંગ ઉત્સાહ લોકોમાં ભારે મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે , ત્યારે થર્ટી ફર્સ્ટ ના દિવસો નજીક આવતા ગુનાહિત પ્રવૃત્તિઓના પ્રમાણમાં પણ મોટા પ્રમાણમાં વધારો થતો હોય છે જેથી નર્મદા જિલ્લા પોલીસ સાબદી બની છે અને ઠેર ઠેર વાહનોનું ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે, એ સહિત નર્મદા જિલ્લા વન વિભાગ પણ રજાઓના દિવસોમાં ગેરકાયદેસર લાકડાઓનો કટીંગ કરી લાકડાનો વેપલો કરનારા વેપારીઓ પણ મોટા પ્રમાણમાં સક્રિય થતા હોય તેમના પર વન વિભાગ પણ બાજ નજર રાખી રહ્યું છે.ત્યારે આજ રોજ વહેલી સવારે લગભગ 10 વાગ્યાની આસપાસ રાજપીપળા પાસેના ખામર ચોકડી તરફ જવાના માર્ગ ઉપર આવેલ લિમટવાળા પાસેની બીટ્ટુ દા ધાબા હોટલ પાસે ના મુખ્ય માર્ગ ઉપર થી નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અને નર્મદા વન વિભાગ રાજપીપળા રેંજ ના સંયુક્ત ઓપરેશનમાં ગેરકાયદેસર ખેરના લાકડા ભરી પસાર થતો એક ટ્રક ઝડપી પાડતા ગેરકાયદેસર લાકડાનો વેપલો કરતા વિરપ્પનો માં ભારે ફાફડાટ ફેલાયો છે.

પોલીસ સુત્રો સહિત વન વિભાગ માંથી મળતી માહિતી અનુસાર નાતાલ પર્વ નિમિત્તે ત્રણ દિવસની સળંગ રજાઓ આવી હોય અને ચાર દિવસ પછી જ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પણ આવતું હોય ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુબે સહિત વન વિભાગ નર્મદા ના નાયબ સંરક્ષક નીરજ કુમાર ની સૂચના અને માર્ગદર્શન થી પોલીસ વિભાગ અને વન વિભાગ ગેરકાયદેસર દારૂની હેરાફેરી સહીત લાકડા ની હેરાફેરી ની પ્રવૃત્તિઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યું હતું, ત્યારે આજ રોજ સવારે 10 વાગ્યાના પહેલા બંને વિભાગો ના જવાનો પોતાની ફરજ પર હતા ત્યારે રાજપીપળાથી ખામર તરફ જવાના માર્ગે લિમટવાળા ના પાટીયા નજીક આવેલ બીટ્ટુ દા ધાબા પાસે એક ટ્રક નંબર M.P. 09 K.C. 8368 આવતા આ ટ્રકને ઉભી રાખી તેની તલાસી લેતા તેમાંથી ખેરના લાકડા ભરેલા મળી આવ્યા હતા. ખેર ના લાકડા પાસ પરમીટ વિનાના છે કે કેમ તેની પોલીસ અને વન વિભાગ એ તપાસ કરતા કોઈ પણ જાતના દસ્તાવેજ તેમજ પુરાવા ટ્રક ચાલક સહિત ક્લીનર પાસે ન હોય ગેરકાયદેસર ભરેલ 11 ટન ખેરના લાકડા સહિત ટ્રક નો મુદ્દા માલ જપ્ત કરાયો હતો.

વન વિભાગ અને નર્મદા એલસીબી પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ટ્રક ચાલક ખલીલ અહેમદ અકીલ એહમદ શેખ રહેવાસી નેહરુ પૂતળા નજીક, સાકરી, ધૂલે, મહારાષ્ટ્ર તેમજ યુનુસ સમશેરઅલી શા રહેવાસી ભોલા બજાર,80 ફૂટ રોડ , ધુલે, મહારાષ્ટ્ર ની અટકાયત કરી તેઓની પૂછપરછ કરતા તેઓએ આ ખેરના લાકડા વલસાડ થી ભર્યા હોવાનું જણાવ્યું હતું, અને આ ખેરના લાકડા મધ્યપ્રદેશના ઇન્દોર તરફ પોતે લઈ જતા હોવાનું પણ પોલીસ સહિત નર્મદા વન વિભાગ ને જણાવતા ગેરકાયદેસર ભરેલ 11 ટન ખેરના લાકડા સહિત ટ્રક મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ વનવિભાગે જપ્ત કર્યો હતો, અને ઝડપાયેલા આરોપીઓ પાસેથી આ ખેરના લાકડા ક્યાંથી કપાયા અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે કોને આપવાના હતા અને કોણ કોણ આ ગુનાહિત પ્રવૃત્તિમાં સપડાયેલ છે તેની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

સમગ્ર અભિયાન નર્મદા જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે.ગોહીલનાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ભગાભાઈ રોહિતભાઈ, એએસઆઈ બાબુભાઈ બચુભાઈ, વિજયભાઈ ગુલાબસિંહ, યોગેશભાઈ બળદેવભાઈ, અશોકભાઈ ભગુભાઈ, રમેશભાઈ મંગળભાઈ, ઈશ્વરભાઈ વશરામભાઇ સહિત વન વિભાગના રમેશભાઈ સી. તડવી હાર્દિક સિંહ એલ રાવલજી નાઓએ સુપેરે પાર પાડ્યું હતું.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા

Exit mobile version