શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ:
સેલંબા થી મહિલા દર્દીને વધુ સારવાર અર્થે લઈ જતી એમ્બ્યુલન્સ ઉમરગોટ નજીક પલટી મારતા મહિલા દર્દી નું મોત નિપજ્યું:
ઉમરપાડા તાલુકા માંથી પસાર થતા ચવડા રોડ પર ઉમરગોટ ગામની સીમમાં સેલંબા થી સુરત તરફ દર્દીને લઈ જઇ રહેલી ઇકો એમ્બ્યુલન્સ પલ્ટી મારી જતા 70 વર્ષીય મહિલા દર્દીનું મોત નિપજ્યું છે.
સર્જન વસાવા, દેડિયાપાડા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં સેલંબા બજાર ખાતે રહેતા નિસારભાઈ હારૂનભાઈ મેમણ ની 70 વર્ષીય માતા રૂકૈયાબેન ની અચાનક તબિયત લથડી જતા જેમને એમ્બ્યુલન્સ માં બેસાડી સારવાર માટે સાગબારા લઈ જવાયા હતા અને ત્યાં થી વધુ સારવાર માટે ઇકો એમ્બ્યુલન્સ કાર નં.GJ-16-AV-4146માં બેસાડી સેલંબા થી સુરત તરફ લઇ જઈ રહ્યા હતા. જે દરમ્યાન ઉમરપાડા નાં ઉમરગોટ ગામની સીમમાં એમ્બ્યુલન્સ નાં ચાલકે પોતાના કબ્જા ની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દઇ એમ્બ્યુલન્સ રોડની સાઈડે -ઉતારી દેતા કાર પલ્ટી મારી ગઇ હતી. જોકે અકસ્માતની ઘટનામાં એમ્બ્યુલન્સ માં સવાર 70 વર્ષીય મહિલા દર્દી રૂકૈયાબેન હારુન હબીબ મેમણ ને શરીરનાં વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા જેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. તેમજ અંદર સવાર ચાલક અને દર્દીનાં પુત્ર નિસારભાઈ અને પુત્રવધુ રોશનબેન ને ઇજાઓ પહોંચતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર ઘટના અંગે ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.