શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આજે તાપી જિલ્લામાં સંકલિત બાળ વિકાસ વિભાગની યોજનાકીય સમીક્ષા કરતા મંત્રીશ્રી વિભાવરીબેન દવે
વ્યારા-તાપી: રાજ્યનાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં તાપી જિલ્લામાં અમલી સંકલિત બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણલક્ષી યોજનાની સમીક્ષા કરી હતી.
બેઠકમાં આ પ્રસંગે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રોની સુવિધા, કુપોષણ નિવારણ, વિવિધલક્ષી કલ્યાણ કેન્દ્રો અને મહિલા અભયમ ટીમની કામગીરી અંગે સબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવીને મંત્રીશ્રીએ બાહુલ્ય આદિજાતિ વસ્તિ ધરાવતા તાપી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે આરોગ્ય વિષયક બાબતે અંતરિયાળ વિસ્તારમાં પોષણ, શિક્ષણ, જીવન કૌશલ્ય અને આરોગ્યલક્ષી માહિતી આપવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે શાળાએ ન જતી કિશોરીઓને નેશનલ ઓપન સ્કૂલમાં દાખલ કરાવવા શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી આવી કિશોરીઓ ઓછામાં ઓછું ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ લે તેવા પ્રયાસો કરવા તથા ગંગાસ્વરૂપા, ત્યકતા મહિલાઓના કલ્યાણ માટે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ મહિલા કલ્યાણની યોજનાઓનો જરૂરીયાતમંદ બહેનોને પુરેપુરો લાભ મળે તેવું આયોજન કરવા સબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. વધુમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે સુરક્ષિત થવા સંપૂર્ણ રસીકરણ કરાવવા તથા ગ્રામ્ય વિસ્તારની શિક્ષિત બહેનોને નર્સિંગ માટેની બેઝિક તાલીમ આપવા માટે પણ સૂચન કર્યું હતું.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ જિલ્લામાં વિવિધ વિભાગો મારફત અમલી મહિલા વિકાસ યોજનો હેઠળ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીથી મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.
બેઠકમાં પ્રોગ્રામ ઓફિસર એ.ટી. પટેલ, મહિલા અને બાળ વિકાસ અધિકારી ધર્મેશ વસાવા, તમામ તાલુકાના સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકાઓ સહિત સબંધિત અધિકારી/કર્મચારીઓ હાજર રહયાં હતા.