Site icon Gramin Today

તાપી જિલ્લાના હથિયાર ધારકોએ તાત્કાલિક તેમના હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આદેશ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય માટે તાપી જિલ્લાના હથિયાર ધારકોએ તાત્કાલિક તેમના હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા કરવામાં આવ્યો આદેશ; હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

વ્યારા-તાપી: આગામી તા.૦૩-૧૦-૨૦૨૧ના રોજ યોજાનાર જિલ્લા/તાલુકા પંચાયતની પ્રસંગોપાત ખાલી બેઠકોની ચૂંટણી દરમિયાન સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ તથા મુકત અને ન્યાયી ચૂંટણી યોજી શકાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ જિલ્લાના હથિયાર ધારકોને તેમના હથિયારો નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા માટે એક જાહેરનામું બહાર પાડીને જણાવ્યું છે.
જે અનુસાર તાપી જિલ્લાના તમામ વિસ્તારમાં કોઇ પણ વ્યકતિએ શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ની કલમ-૨ની વ્યાખ્યામાં આવતું કોઇ પણ હથિયાર પોતાની પાસે રાખવું નહિં, ધારણ કરવું નહિં અથવા હથિયાર સાથે હરવું ફરવું નહિં. તાપી જિલ્લા કાર્યક્ષેત્ર બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકતિઓએ પણ હથિયાર તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે.
સરકારી નોકરીમાં અથા કામગીરીમાં હોય, તેમને ઉપરી અધિકારીઓએ આવું કોઇ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા કોઇ હથિયાર લઇ જવાની ફરજ હોય તેવા વ્યકતિઓ, રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેન્કો, સેન્ટ્રલ ગર્વમેન્ટ તેમજ રાજય સરકારના સાહસોની સુરક્ષા અર્થે રાખેલ સીકયુરીટી ગાર્ડ, તેમજ તાપી જિલ્લામાં આવેલી હિરાની ફેકટરીઓ તથા સોના ચાંદીની દુકાનોની સલામતિ અર્થે ફરજ બજાવતા સીકયુરીટી ગાર્ડ જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી પાસેથી પરવાનગી મેળવ્યા બાદ કામકાજના સમય દરમિયાન હથિયાર સુરક્ષાર્થે રાખી શકશે. જિલ્લા મેજીસ્ટ્રેટની તાપી કચેરી દ્વારા સ્વરક્ષણ તેમજ પાકસુરક્ષાના હેતુસર અગત્યના કારણસર આપવામાં આવેલા મંજુરીના કિસ્સામાં પરવાનેદારને હથિયાર રાખવાની છુટ રહેશે. આ હુકમ ૦૬/૧૦/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Exit mobile version