Site icon Gramin Today

ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવી છે? તો સરકાર આપશે સહાય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ 

ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવી છે? તો પછી રાહ કોની જુવો છો? સરકાર આપશે નાણાંકીય સહાય:
આહવા; તા; ૨૯; નવસારીના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર નવસારી અને ડાંગ જિલ્લામા જમીન ચકાસણી કરવા પ્રયોગશાળા સ્થાપવા માટે ભારત સરકારે સોઇલ હેલ્થકાર્ડ અને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં લાભાર્થીઓને નાણાકીય સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઔદ્યોગિક સાહસ કરનાર ગ્રુપ અને સંસ્થાને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના હેઠળ સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના શરુ કરાઈ છે.

નવસારી અને ડાંગ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી કલીનીક, એગ્રી બીઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત્ત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, ફાર્મર કો ઓપરેટીવ સોસાયટી, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઈન્ટ લાયબેલીટી ગ્રુપ, ઈનપુટ રીટેલ આઉટલેટ, ઈનપુટ રીટેલર્સ અને શાળાઓ/કોલેજોમાં નાણાકીય સહાય આપવા માટેની જોગવાઈ કરેલ છે.

જેમા જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે કુલ ખર્ચ રૂ.૫ લાખના ૭૫ ટકા લેખે રૂ.૩.૭૫ લાખ રૂપિયા લાભાર્થીઓને નાણાકીય સહાય આપવાની જોગવાઈ છે. જયારે રૂ.૧.૨૫ લાખ લાભાર્થીએ જાતે ભોગવવાના રહેશે. જે સંસ્થાઓ સાદર બાબતે રસ ધરાવતી હોય તેઓ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નવસારીને રૂબરૂ અરજી કરી શકશે.

Exit mobile version