Site icon Gramin Today

સાયરસ મિસ્ત્રી અકસ્માત મામલે મર્સિડીઝ બેન્ઝ કંપની અને RTO વિભાગે પ્રાથમિક રિપોર્ટ પોલીસને સોંપ્યો :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

સાયરસ મિસ્ત્રી અકસ્માત મામલે મર્સિડીઝ બેન્ઝ કંપની અને આરટીઓ વિભાગે પ્રાથમિક રિપોર્ટ પોલીસને સોંપ્યો છે. મર્સિડીઝ  બેન્ઝ કંપનીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, જ્યારે ગાડીનો અકસ્માત થયો તેની 5 સેકન્ડ પહેલાં કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક હતી અને અનાહિતાએ જ્યારે બ્રેક મારી ત્યારે ગાડીની સ્પીડ 11 કિલોમીટર પ્રતિ કલાક ઘટીને 89 કિલોમીટર પ્રતિ કલાકે પહોંચી ગઈ હતી.

પોલીસે કંપનીને સવાલ કર્યો હતો કે, શું જ્યારે અનાહિતાએ 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પર બ્રેક મારી હતી ત્યારે તેની પહેલાં પણ અનાહિતાએ બ્રેક મારી હતી કે શું? એટલે કે ગાડીની સ્પીડ જ્યારે 100 કિલોમીટર હતી તો શું તેના પહેલાં અનાહિતાએ બ્રેક મારી હતી, જેને લીધે ગાડીની સ્પીડ 100 કિલોમીટર પર આવી ગઈ હતી? પોલીસે એ જાણવા માગે છે કે, અનાહિતાએ અકસ્માત પહેલાં કેટલીવાર બ્રેક મારી હતી. મર્સિડીઝ બેન્ઝે પોતાના રિપોર્ટમાં અત્યાર સુધી અકસ્માતના 5 સેકન્ડ પહેલાં એકવાર બ્રેક મારવાની વાત કરી હતી.

આગળની જાણકારી મેળવવા માટે મર્સિડીઝ  કંપની 12 સપ્ટેમ્બરે અકસ્માતવાળી કારને થાણાના શોરૂમમાં લાવશે. ત્યાં હોંગકોંગથી મર્સિડીઝ બેન્ઝની એક ટીમ આવીને ગાડીનું પરિક્ષણ કરશે અને ડિટેઇલમાં રિપોર્ટ બનાવશે. હોંગકોંગથી આવનારી ટીમે વિઝા માટે એપ્લાઇ કરી દીધું છે. જો આગામી 48 કલાકમાં વિઝા નહીં આવે તો ઇન્ડિયાથી મર્સિડીઝ બેન્ઝની ટીમ આ ગાડીના પરીક્ષણ માટે ડિટેઇલ રિપોર્ટ બનાવશે.

આરટીઓએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે અકસ્માત થયો ત્યારે ગાડીમાં ચાર એરબેગ ખૂલેલી હતી. જ્યારે અકસ્માત થયો ત્યારે આગળની સીટના બંને એરબેગ ખૂલેલા હતા. એક એરબેગ ડ્રાઇવિંગ સીટની પાસે ડ્રાઇવરના ઘૂંટણ પાસે હોય છે તે ખૂલી ગઈ હતી અને બીજી ડ્રાઇવરના માથાના ભાગ તરફ એરબેગ હોય છે, તેને કર્ટન એરબેગ કહેવામાં આવે છે તે પણ ખૂલેલી હતી.

સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુથી કોર્પોરેટ જગત આઘાતમાં છે. તેમની કાર મુંબઈ-અમદાવાદ હાઈવે પર ડિવાઇડર સાથે અથડાઈ હતી. મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર દિનશા પંડોલે પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. સાયરસ મિસ્ત્રી કોઇ જેવી તેવી કારમાં નહોતા, તેઓ મર્સિડીઝ બેન્ઝ જીએલસી નામની એસયુવીમાં સવાર હતા. લગભગ 70 લાખ રૂપિયાની આ કાર આરામથી લઈને સલામતી સુધીના તમામ દાવા સાથે આવે છે. પોલીસના જણાવ્યા અનુસાર જહાંગીરનો ભાઈ દારિસ પંડોલે અને તેની પત્ની અનાયતા આગળની સીટ પર બેઠા હતા. અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી. સાયરસ મિસ્ત્રીને માથામાં ઈજા પહોંચી હતી અને અનાહિતા પંડોલેના ભાઈ જહાંગીર દિનશાને પગ અને માથામાં ઈજા થઈ હતી. મોટર વ્હીકલ એક્ટ મુજબ સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે અને સાયરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા પરંતુ તે બંનેમાંથી કોઈએ સીટ બેલ્ટ પહેર્યો નહતો. આ ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આગળની સીટ પર બેઠેલા બંને લોકોના જીવ એરબેગના કારણે બચી ગયા હતા. બંનેને ગંભીર ઈજાઓ પહોંચી છે પરંતુ તેઓ ખતરાની બહાર છે. સાયરસ મિસ્ત્રી અને જહાંગીર પાછળની સીટ પર બેઠા હતા અને બંનેએ સીટ બેલ્ટ પણ પહેર્યો નહોતો. જણાવી દઇએ કે, સાયરસ મિસ્ત્રીની કારનો અકસ્માત 4 સપ્ટેમ્બર રવિવારેના રોજ બપોરે લગભગ 2.30 વાગ્યાની આજુબાજુ સૂર્યા નદી પર બનેલા પૂલ પર થયો હતો. પાલઘરમાં ચારોટી ચેક પોસ્ટ પાર કર્યા બાદ તેમની કારે ફક્ત 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું. પોલિસ અનુસાર, CCTV ફૂટેજમાં તેમની કાર બપોરે લગભગ 2.21ની આજુબાજુ ચોકી પાસે જોવા મળી હતી. જે ચેકપોસ્ટથી 20 કિમી દૂર છે.

Exit mobile version