Site icon Gramin Today

તાપી જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ સર્વે “ડ્રોન”નો પ્રારંભ કરાવતા જીલ્લા વિકાસ અધિકારી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયાના અધ્યક્ષસ્થાને સર્વે ડ્રોનનો પ્રારંભ:
પ્રથમ તબક્કા હેઠળ વ્યારા તાલુકાના ૭૦ ગામો આવરી લેવાશે:

વ્યારા-તાપી: ભારત સરકારના પંચાયતી રાજ વિભાગના ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોનો સર્વે કરવા “સ્વામિત્વ યોજના”નો શુભારંભ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૨૪/૦૪/૨૦૨૦ થી સમગ્ર દેશમાં કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજયમાં સ્વામિત્વ યોજનાની શરૂઆત થતાં આજરોજ તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના કણજા ગામમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડીયાના અધ્યક્ષસ્થાને અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એ.ડોડીયા, જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખશ્રી અર્જુનભાઇ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જશુબેન ગામીત તથા સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ કમ એકત્રીકરણ અધિકારીશ્રી અનંત પટેલ અને ડી.આઇ.એલ.આર.શ્રી આર.જી.ગોસાઇ ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કણજા ગામે ગ્રામસભાના આયોજન દ્વારા તમામ ગ્રામજનોને “સ્વામિત્વ” યોજના હેઠળ મિલકત ધારકશ્રીને મિલકત અંગેના આધારો મળવા બાબત તેમજ આ યોજના હેઠળ તથા વહીવટી અને યોજનાકીય બાબત વિશે વિસ્તૃત માહિતી ડી.ડી.ઓશ્રી દ્વારા આપવામાં આવી હતી. તથા તાપી જિલ્લામાં “સ્વામિત્વ” યોજના હેઠળ કુલ ૭૦ ગામોને આવરી પ્રથમ તબક્કામાં ૩૫ ગામોમાં તા.૨૬ મે-થી ૦૪-૦૬-૨૦૨૨ સુધી ડ્રોન સર્વે કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ ડ્રોન વિકસાવી તમામ જિલ્લાઓમાં મિલકતની માપણી કરવામાં આવશે. જેમાં ડ્રોન દ્વારા ૧૨૦ મીટરની ઉંચાઇથી ફોટો ક્લીક કરી તેની ઇમેજને લેન્ડ સર્વે ઓફ ઇન્ડિયાને સેટેલાઇટના માધ્યમથી મોકલી ડીજીટલ ડેટા પ્રોસેસ અને ડિજીટલ નકશા તૈયાર કરવામાં આવશે એમ શ્રી આર.જી.ગોસાઇ, જિલ્લા જમિન નિરીક્ષક, જમીન દફતર તાપી દ્વારા જણાવાયું છે.

Exit mobile version