Site icon Gramin Today

તાપી જિલ્લાના પત્રકાર પર ભાજપના પ્રદેશ યુવા મહામંત્રી દ્વારા કરેલ હુમલા બાબતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર ગામીત

તાપી જિલ્લાના પત્રકાર પર ભાજપના પ્રદેશ યુવા મહામંત્રી દ્વારા કરેલ હુમલા બાબતે મુખ્યમંત્રીશ્રી ને આવેદનપત્ર સુપ્રત કરાયું:

લોકતંત્રના ચોથા આધાર સ્થંભને ડરાવવુ ધમકાવવાનું કે પછી જાનલેવા હુમલો કરવો જેવી તાપી જીલ્લામાં અવારનવાર બનતી ઘટનાઓ બાબતે પરામર્શ જરૂરી:

નિઝર તાલુકામાં અગાઉ પણ આર.ટી.આઈ. દ્વારા માંગવામાં આવેલી માહિતીઓ નહી આપી ને પત્રકારના ઘરે જઈ ધમકીઓ આપવાની ઘટના બની છે..!

બે મહિના પહેલાં ડોલવણ તાલુકામાં એક પત્રકાર પર જાનલેવા હુમલો કરાયો હતો..સમયસર સૂચકતા વાપરી સદ્દનશીબે પત્રકાર બચી ગયેલ…!

અગાઉપણ તાપી જીલ્લાના શેક્ષણિક સંકુલ માં જઈ પોતાનાં હોદ્દા નો દુર ઉપયોગ કરીને ચાલુ શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને પક્ષનાં મેમ્બર બનાવવાની ઘટના સોશિયલ મીડિયામાં અને સમાચારોમાં વાયરલ થયેલ વ્યક્તિ પાછા આવ્યા નવા વિવાદમાં..! 

તાપી: પ્રાપ્ત માહિતી મુજબ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામના ઉપસરપંચ સુરજભાઈ સત્યજીતભાઈ દેસાઈ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મહામંત્રી પણ છે. તેમના પરિવાર દ્વારા બુહારી ગ્રામ પંચાયતના વિવિધ હોદ્દાઓનો દુરુપયોગ કરી કરવામાં આવેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે પત્રકાર શ્રી જીગર શાહ દ્વારા અખબારમાં અવારનવાર અહેવાલ લખવામાં આવેલ છે. શ્રી જીગર શાહ દ્વારા કથિત ભ્રષ્ટાચાર અંગેની સંબધિત વિભાગોને થયેલી લેખિત ફરિયાદોમાં સરકારશ્રી કક્ષાએથી તપાસ ચાલી રહી છે. આ તપાસથી સુરજ દેસાઇ અને તેના પરિવારને નુકશાન થાય તેમ છે. તેથી સુરજ દેસાઇ પત્રકાર જીગર શાહ સાથે અંગત અદાવત રાખતા આવેલા છે. ગત તા.૧૩-૭-૨૦૨૨ના રોજ પૂર્ણા નદીના પૂરના પાણી બુહારી ગામમાં ફરી વળતા પત્રકાર જીગર શાહે તાપી જીલ્લા વહીવટી તંત્રને પૂરના પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી. તેથી વહીવટી તંત્રના અધિકારીઓ તા.૧૩મી જુલાઈ રાત્રીના લગભગ ૧૦.૦૦ વાગ્યે બુહારી ગામે પહોંચયા હતા. અધિકારીઓને પુરના પાણીના નિકાલ માટે કેટલાક બાંધકામો અને માટી પુરાણ અડચણરૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું. તેથી અધિકારીઓ પુરના પાણીથી વધુ નુકશાન ન થાય તે માટે અડચણો દૂર કરે તેવી શક્યતા હતી તે વાતની જાણ થતા સુરજ દેસાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં જીગર શાહ પણ હાજર હોય આ બધુ જીગર શાહ કરાવે છે. જીગર શાહ ફરીયાદ કરીને પોતાના પરિવારના બાંધકામો દુર કરાવે છે તેવો વહેમ રાખી સુરજ દેસાઇએ પત્રકાર જીગર શાહ પર જીવલેણ અને હિચકારો હુમલો કર્યો હતો. સુરજ દેસાઇએ જાનથી મારી નાંખવાના ઇરાદે જીગર શાહના માથામાં લાકડીનો ફટકો માર્યો હતો ત્યાર પછી ચક્કર ખાઇને ફસડાઇ પડેલા જીગર શાહની જાન લેવાના ઇરાદે સુરજ દેસાઇએ હુમલો ચાલુ રાખ્યો હતો. જેમ તેમ કરીને ભાગીને જીગર શાહે પોતાનો જીવ બચાવ્યો હતો.

પત્રકાર પર હુમલો કરનાર સુરજ દેસાઇ સામે વાલોડ જી.તાપી પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. આમ સુરજ દેસાઈ અને તેના પરિવારનો કથિત ભ્રષ્ટાચાર પત્રકાર જીગર શાહે ઉજાગર કરી હોવાથી ભાજપના મહત્વના પદ પર રહેલા સુરજ દેસાઈએ પત્રકાર પર હિચકારો અને જીવલેણ હુમલો કર્યો છે. આ પ્રમાણે રાજકીય પક્ષના માણસ દ્વારા થયેલા હુમલાથી તાપી જીલ્લાના પત્રકારો સ્તબ્ધ અને ભયભીત થયા છે. આ હુમલાને અમો પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, અને તાપી જિલ્લામાં પત્રકારો પર રાજકીય પક્ષના માણસો દ્વારા આવા હિચકારા અને જીવલેણ હુમલા બંધ થાય તેવી માંગ કરીએ છીએ. પત્રકારો નિષ્પક્ષ રીતે કોઈપણ ડરના માહોલ વગર પોતાનો પત્રકારત્વ ધર્મ નિભાવી શકે તે દેશના લોકતંત્રના હિતમાં ખુબ જરૂરી છે.

માટે તાપી જીલ્લામાં પત્રકારો માટે ભય મુકત માહોલ અને વ્યવસ્થા કરવા તેમજ પત્રકાર જીગર શાહ પર હિચકારો અને જીવલેણ હુમલો કરનાર ભાજપના પ્રદેશ યુવા મહામંત્રી સુરજ દેસાઈ સામે કડક થી કડક કાર્યવાહી કરી કાયદાકીય પગલા ભરવા તાપી જીલ્લાના પત્રકારોએ માંગ કરી હતી.

સદર આવેદનપત્ર પત્ર તાપી જીલ્લાના પત્રકારો દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ને સંબોધીને તાપી કલેક્ટરશ્રી ને સુપ્રત કરવામાં આવ્યું હતું

Exit mobile version