Site icon Gramin Today

જિલ્લામાં પ્રેરણારૂપ પહેલ..” અનામી પારણુ ” જે ત્યજી દેવાતા નવજાત શિશુને નવજીવન આપી શકે છે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તન કુમાર

તાપી જિલ્લામાં પ્રેરણારૂપ પહેલ..” અનામી પારણુ ” જે  તરછોડાયેલા અનાથ બાળકને નવજીવન આપી શકે છે:

ત્યજી દેવાતા નવજાત શિશુના રક્ષણ માટે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ” અનામી પારણુ ” મુકવામાં આવ્યું:

અનઈચ્છિત તાજા જન્મેલા નવજાત શિશુને કોઈ અવાવરૂ જગ્યાએ ત્યજી ના દેતા અનામી પારણામાં મુકી જવા અપીલ કરાઈ:

વ્યારા: બાળકોને તરછોડી જનાર માતા-પિતાની ભલે ગમે તે મજબૂરી હોય પરંતુ તેઓ એક વાર પણ વિચારતા નથી કે બાળકના ભવિષ્યનું શું ? કુદરત તરફથી ભેટ સ્વરૂપે મળેલ જીવન જીવવાની અમૂલ્ય તકને બાળક કેવી રીતે જીવી જશે ? બાળકોને તરછોડી જનાર માતા-પિતા ભલે આ ના વિચારતા હોય પરંતુ એક કહેવત છે કે ” જિસકા કોઈ નહીં, ઉસકા ખુદા હોતા હૈ યારો ” જન્મતાની સાથે જ તરછોડાયેલ આવા બાળકો પણ સારુ જીવન જીવે તે માટે તાપી જિલ્લામાં બાળસુરક્ષા વિભાગ દ્વારા એક નવતર પહેલ કરીને નવજાત શિશુના રક્ષણ માટે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ” અનામી પારણુ ” મુકવામાં આવ્યું છે. આજે મુકવામાં આવેલ અનામી પારણાના કાર્યક્રમમાં હોસ્પિટલના સીવીલ સર્જન ડો.નૈતિક ચૌધરી, બાળ સુરક્ષા અધિકારી નિર્મલ ચૌધરી સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 
જેનો ઉદ્દેશ તાપી જિલ્લાના જે કોઈ પણ વાલી/સગાસબંધી અનઈચ્છિત નવજાત શિશુને પોતાની પાસે રાખવા માંગતા ન હોય તો તેમણે તાજા જન્મેલા નવજાત શિશુને કોઈ પણ અવાવરૂ જગ્યા, ઝાડીઝાંખરા, કચરાપેટી કે નદી નાળામાં મૂકી ન દેતા જનરલ હોસ્પિટલ વ્યારામાં સ્ત્રી વોર્ડ પાસે રાખવામાં આવેલ આ ” અનામી પારણામાં ” બાળકને મુકી જવા અપીલ કરવામાં આવે છે. આવી રીતે અવાવરૂ જગ્યાએ ત્યજી દેવાયેલ કુમળા બાળક્ને શારિરીક,માનસિક ઈજાઓ થતા તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. આવા શિશુને આ રીતે નોંધારૂ ન મુકતા આ પારણામાં મુકી જવામાં આવશે તો તેનું કાળજીપૂર્વક જતન કરી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ મુજબ દત્તકની પ્રક્રિયા અંતર્ગત તેનુ પુન:સ્થાપન કરી તેનો ઉછેર કરવામાં આવશે.

Exit mobile version