શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાપુતારામાં સુગર એન સ્પાઈસ રેસ્ટોરન્ટ સામે CCTV કેમેરા બંધ રાખવા બદલ ગુનો નોંધાયો:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં આવેલી સુગર એન સ્પાઈસ રેસ્ટોરન્ટ સામે સીસીટીવી કેમેરા કાર્યરત ન રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવાના આરોપસર સાપુતારા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લામાં તા.૦૯/૦૬/૨૦૨૬થી તા.૦૭/૦૮/૨૦૨૬ સુધી સીસીટીવી કેમેરા લગાવી તેને સતત કાર્યરત રાખવા અંગે જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે.
આ જાહેરનામાના પાલનની ચકાસણી માટે તા. ૧૩/૦૭/૨૦૨૬ના રોજ બપોરે અંદાજે ૩ વાગ્યે સાપુતારા પોલીસની ટીમ તપાસ માટે નીકળી હતી. દરમિયાન બપોરે અંદાજે ૩:૪૫ વાગ્યે સુગર એન સ્પાઈસ રેસ્ટોરન્ટ ખાતે પહોંચી લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતાં કેમેરા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.
ત્યારબાદ પોલીસે સ્થળ પર બે પંચોને બોલાવી કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરનામાની વિગતો સમજાવ્યા બાદ ઈ-સાક્ષ્ય એપ્લિકેશન મારફતે સ્થળની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું.
આ કેસમાં રેસ્ટોરન્ટના જવાબદાર મેનેજર અમિતકુમાર રેમ રામનારાયણ સિંહ (ઉંમર ૩૯ વર્ષ) સામે જાહેરનામાનો ભંગ કરી સીસીટીવી કેમેરા બંધ રાખીને બેદરકારી દાખવવાના આરોપસર BNSની કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનના એએસઆઈ સંજય ભોયે દ્વારા કેમેરા કયા કારણોસર બંધ હતા અને તેમાં કોઈ મોટી ગંભીર ગુનાહિત પ્રવૃતિ કે, બેદરકારી તથા અન્ય કયા કારણો જવાબદાર છે. તે અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરી દિધી છે.

