શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ફોરેસ્ટ બીટ ગાર્ડના નામે ખેડૂતની બાઈક સેરવી ફરાર થયેલો શખ્સ ઝડપાયો, ડાંગ LCBએ આઠ મહિના જૂના ગુનાનો ભેદ ઉકેલ્યો:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા માનમોડી ગામના ખેડૂત સાથે વિશ્વાસઘાત કરી મોટરસાઇકલ પડાવી લેવાના આઠ મહિના જૂના બનાવનો ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ફોરેસ્ટ બીટ ગાર્ડ સાહેબે ઠંડું પીણું મંગાવ્યું હોવાનું બહાનું ધરી એક શખ્સે ખેડૂતને વિશ્વાસમાં લીધો હતો. માત્ર પાંચ મિનિટમાં ઠંડું પીણું લઈને બાઈક પરત આપી દેવાની વાત કરી તેણે ખેડૂત પાસેથી મોટરસાઇકલની ચાવી મેળવી હતી અને ત્યારબાદ બાઈક લઈને રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટનામાં રૂ. ૬૫,૦૦૦ કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ગુમ થતાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS), સુરત વિભાગની અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તથા ફરાર અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અંગેની સૂચનાના અનુસંધાને ડાંગ-આહવાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. જી. અનડકટ અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરત જિલ્લાના વિહાન ગામની ચોકડી તથા આસપાસના માર્ગો પર સતત બે દિવસ સુધી અલગ-અલગ ટીમો તહેનાત કરી ચાંપતી નજર રાખવામાં આવી હતી.
આ દરમિયાન સામપુરા ગામ તરફથી શંકાસ્પદ મોટરસાઇકલ પસાર થતી નજરે પડતાં અને તેના પર સવાર એક ઇસમે ઓળખ છુપાવવા મોઢા પર રૂમાલ બાંધ્યો હોવાનું જણાતાં પોલીસની શંકા વધુ ઘેરી બની હતી. ટીમોએ તાત્કાલિક અન્ય કર્મચારીઓને જાણ કરી પીછો શરૂ કર્યો હતો અને વિહાન ગામની ચોકડી નજીક આવેલી શાળા પાસે સંયુક્ત રીતે ઘેરાબંધી કરી મોટરસાઇકલ અટકાવી શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસે પકડાયેલા આરોપીની ઓળખ વીમલ ઉર્ફે આર્યન, પિતા જાનાભાઈ ઉર્ફે અમરસિંગ સાકાભાઈ ચૌધરી (ઉંમર ૨૪ વર્ષ), હાલ રહે. સહારા દરવાજા પાસે, સુરત શહેર અને મૂળ રહે. ટિંટોઈ ગામ, તાલુકો અરેઠ, જિલ્લો સુરત તરીકે કરી છે. આરોપી પાસેથી છેતરપિંડી કરીને લઈ જવાયેલી રૂ. ૬૫,૦૦૦ની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ રિકવર કરવામાં આવી છે. આમ, લાંબા સમયથી વણઉકેલાયેલા આ ગુનાનો ભેદ ઉકેલવામાં ડાંગ LCBને સફળતા મળી છે. આરોપી અને કબજે કરાયેલા મુદ્દામાલને વધુ કાયદેસરની કાર્યવાહી તથા તપાસ માટે સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

