Site icon Gramin Today

ડાંગમાં વનકર્મીની હત્યા કેસમાં પોલીસનો દમદાર દાવ, માત્ર ૧૫ દિવસમાં ૬૦૦ પાનાની ચાર્જશીટ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગમાં વનકર્મીની હત્યા કેસમાં પોલીસનો દમદાર દાવ, માત્ર ૧૫ દિવસમાં ૬૦૦ પાનાની ચાર્જશીટ:

ન્યાય તરફ ઝડપભેર પગલું, તપાસમાં પોલીસની અનોખી સિદ્ધિ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના વઘઈ રેન્જમાં ફરજ બજાવતા વનકર્મી સનતભાઈ બિરારીની બોરીગાવઠા ખાતે થયેલી કરુણ હત્યાના કેસમાં વઘઈ પોલીસે નોંધપાત્ર ઝડપ અને દ્રઢતા દાખવી. આરોપીઓની ધરપકડ બાદ ફક્ત ૧૫ દિવસના ટૂંકા ગાળામાં આશરે ૬૦૦ પાનાની સઘન અને દસ્તાવેજીકૃત ચાર્જશીટ તૈયાર કરીને ન્યાયિક પ્રક્રિયાને ગતિ આપવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી છે.

વાંઝટઆંબા ગામના રહેવાસી સનતભાઈ બિરારીની હત્યાએ સમગ્ર ડાંગ જિલ્લામાં શોક અને આક્રોશ ફેલાવ્યો હતો. ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ઉચ્ચ સ્તરની તપાસ શરૂ કરવામાં આવી હતી.

તપાસને વધુ સુવ્યવસ્થિત અને પરિણામલક્ષી બનાવવા માટે અનુભવી અધિકારીઓની વિશેષ કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીમાં નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરી, પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવી, એ.હે.કો. રમણીક હમીરભાઈ અને આ.પો.કો. પૃથ્વીરાજસિંહ જગુભા સહિતના અધિકારીઓએ સંકલિત રીતે કામગીરી કરી જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ સતત કેસની નજીકથી સમીક્ષા કરી તપાસ ટીમને સમયસર માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા હતા. વૈજ્ઞાનિક અને ટેક્નિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેથી કેસ કોર્ટમાં દૃઢ આધાર સાથે રજૂ કરી શકાય.

દિવસ-રાત અવિરત મહેનત, સુચિત આયોજન અને કાનૂની પ્રક્રિયાની કાળજી સાથે પોલીસે ૧૫ દિવસમાં જ તપાસ પૂર્ણ કરી ૬૦૦ પાનાની વ્યાપક ચાર્જશીટ તૈયાર કરી છે. ત્વરિત ન્યાયની દિશામાં આ પગલું ડાંગ જિલ્લા પોલીસ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહ્યું છે.

વનકર્મી સનતભાઈ બિરારી અને તેમના પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ તંત્રની આ પ્રતિબદ્ધ અને અસરકારક કામગીરી સમાજમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવે તેવી છે.

Exit mobile version