શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગની તલાટી બહેનને Facebook ની એક ક્લિક ૯૧ હજારમાં પડી:
બાળકને મોડેલ બનાવવાનું સપનું બતાવીને ગઠિયાઓએ આચર્યું કાળુ કરતૂત, Prime Kids ના નામે ચાલતું મોટું નેટવર્ક?
દિનકર બંગાળ, આહવા: ફેસબુક પર બાળકના મોડેલિંગની જાહેરાતની આ એક મીઠા મેસેજે સુબીર તાલુકા પંચાયતમાં નોકરી કરતા એક તલાટી બહેનના ઘરનું બજેટ હલાવી નાખ્યું. બાળકના ઉજ્જવળ ભવિષ્યનું સપનું જોઈને માતાએ જે લિંક પર ક્લિક કર્યું, એ જ લિંક તેમને ૯૧,૦૦૦ રૂપિયાની ખાઈમાં ધકેલી ગઈ.
ફરિયાદ મુજબ, તા.૧૫ મી ઓગસ્ટે સાંજે રીલ્સ જોતા-જોતા Prime Kids નામની જાહેરાત દેખાઈ. ક્લિક કર્યું તો સામેથી કહેવામાં આવ્યું’ Gurugram માં અમારી મોટી કંપની છે, તમારા બાળકના ફોટા મોકલો, વિશ્વાસ બેસાડવા માટે બાળકના કપડાં અને ફોટોશૂટ માટે ટીમ ઘરે આવશે તેવું પણ કહ્યું. તલાટી માતા ખુશ થઈ ગઈ પણ અહીંથી જ અસલી ખેલ શરૂ થયો હતો.
ગઠિયાઓ તરત જ તેમને Telegram પર લઈ ગયા. પહેલા Amazon ની પ્રોડક્ટ ને લાઈક કરવાનું કહ્યું. ૫૦ થી ૨૦૦ રૂપિયા ભરો અને બહેને ૫૦ ભર્યા તો સામેથી ખરેખર ૧૨૦૦ અને ૧૫૦૦ પાછા આવ્યા. બસ, લાલચની આ જાળમાં તલાટી બહેન ફસાઈ ગયા. પછી તેમને “Kids Club (૬૩)” નામના મોટા ગ્રુપમાં એડ કર્યા જેમાં ૧૬,૦૦૦ લોકો કમાઈ રહ્યા છે એવું બતાવ્યું. પછી કહ્યું – હવે મોટો નફો કમાવો છે તો મોટું રોકાણ કરો.૫,૦૦૦ ભરો તો ૬,૫૦૦ મળશે, બીજા ટાસ્કમાં ૧૮,૦૦૦ અને ત્રીજા ટાસ્કમાં ૬૮,૦૦૦ ટ્રાન્સફર કરેલ હતા.જ્યારે છેલ્લે ૬૮,૦૦૦ ભર્યા ત્યારે ગઠિયાએ નવો પેંતરો રચ્યો “તમારાથી ટાઈપિંગમાં ભૂલ થઈ છે, પૈસા અનફ્રીઝ કરવા માટે બીજા ૧.૨૦ લાખ ભરો”.ત્યારે તલાટી બહેનને ખ્યાલ આવ્યો કે આ તો મોડેલિંગ નથી, આ તો સાયબર લૂંટ છે!
તેમણે હિંમત કરીને તરત ૧૯૩૦ પર ફોન કર્યો અને સમગ્ર બનાવ અંગે જણાવ્યું. અને તલાટી બેને અજાણ્યા ઈસમો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ડાંગ-આહવા ખાતે તારીખ ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ખાંટ દ્રારા ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) તથા આઈ.ટી. એક્ટની કલમ ૬૬(c) અને ૬૬(d) હેઠળ ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા વધુ તપાસ હાથ ધરી છે.

