શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
કોસંબિયા ગામમાં લગ્ન પ્રસંગે મારામારીની ઘટના, યુવક ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લીંગા ગામમાં રહેનાર રામસીંગ ઉમરસીંગભાઈ સુર્યવંશીના નાબાલિક દીકરા સ્ટેનલી પર થયેલા હુમલાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, તા. 11 એપ્રિલ 2026ના રોજ સ્ટેનલી પોતાના મિત્રો સાથે કોસંબિયા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગના ડી.જે. કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. રાત્રે લગભગ બે વાગ્યાના સમયે કાર્યક્રમ દરમિયાન ઝઘડો સર્જાતા ડી.જે. બંધ કરવામાં આવ્યો હતો અને લોકો ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટેનલી જ્યારે પોતાની મોટરસાઇકલ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક પાછળથી તેના પર હુમલો કરવામાં આવ્યો. આરોપી તરીકે કોસંબિયા ગામના એક વ્યક્તિએ લાકડાના ડંડાથી સ્ટેનલી પર તાબડતોબ પ્રહાર કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીએ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જણાવાયું છે. સ્ટેનલીને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્ર વિશાલભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. બંને યુવાનો પોતાનો બચાવ કરતા જંગલ તરફ ભાગી ગયા અને પછી પોતાના ગામ પરત ફર્યા. સવારે ઘરે પહોંચ્યા બાદ પરિવારજનોને ઘટનાની જાણ થતાં સ્ટેનલીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તપાસ કરતા સ્ટેનલીના જમણા હાથમાં ફેક્ચર તથા શરીરના પીઠના ભાગે ગંભીર ઇજાઓ હોવાનું જણાયું છે. હાલ તેની સારવાર ચાલી રહી છે અને સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે.
આ ઘટનાએ વિસ્તારમાં સુરક્ષાને લઈ પ્રશ્નો ઉભા કર્યા છે. પરિવારજનોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાપુતારા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

