Site icon Gramin Today

આહવા તાલુકાના ડોન ગામે અદાવતનો તાંડવ: દેવરે ભાભી પર પાઇપથી હુમલો કરી વહાવ્યું લોહી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

આહવા તાલુકાના ડોન ગામે અદાવતનો તાંડવ: દેવરે ભાભી પર પાઇપથી હુમલો કરી વહાવ્યું લોહી

કુટુંબીય ઝઘડો હિંસામાં ફેરવાયો, ભાભીના માથામાં ઘા મારતા ગામમાં દહેશત:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ડોન ગામે કુટુંબીય ઝઘડાએ અતિ ભયાનક અને હૃદયદ્રાવક સ્વરૂપ ધારણ કરતાં દેવરે પોતાની જ ભાભી પર નિર્દયતાપૂર્વક પ્લાસ્ટિકના પાઇપ વડે માથાના ભાગે હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આ રક્તરંજિત ઘટનાથી સમગ્ર ગામમાં દહેશત અને સન્નાટો છવાઈ ગયો છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે આહવા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ડોન ગામે રહેતા સુનિતાબેન એકનાથભાઇ પવાર ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તારીખ ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બપોરના સમયે તેઓ પોતાના ખેતરે ગયા હતા. તેમના ખેતરની બાજુમાં જ દેવર સોમનાથભાઇ પવારનું ખેતર આવેલ છે.

આ દરમિયાન આરોપી સોમનાથભાઇએ સુનિતાબેન પર ગામમાં પોતાની બદનામી કરવા તેમજ લોકો વચ્ચે ખોટા આરોપો ફેલાવવાનો ગંભીર અને ઉશ્કેરણીજનક આરોપ મૂક્યો હતો. જેના જવાબમાં સુનિતાબેનએ શાંત પરંતુ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો કોઈએ આવી વાત કરી હોય તો તેને રૂબરૂ બોલાવવામાં આવે જેથી સાચું-ખોટું સ્પષ્ટ થઈ શકે.

પરંતુ આ વાત આરોપીને ગમી ન હતી. ગુસ્સાથી બેકાબૂ બનેલા અને અંધ આક્રોશમાં ગરકાવ થયેલા દેવર સોમનાથભાઇ એ અચાનક જ હિંસક રૂપ ધારણ કરી પ્લાસ્ટિકના પાઇપ વડે સુનિતાબેનના માથાના ભાગે તાબડતોબ જોરદાર પ્રહાર કર્યો હતો. આ ક્રૂર હુમલાના કારણે સુનિતાબેન જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે લોહીની ધારાઓ વહેવા લાગી હતી.

થોડીવાર બાદ હોશમાં આવતા જ આરોપીએ ફરી એકવાર સુનિતાબેન પર ગાળો વરસાવી તથા જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે, જેના કારણે પીડિત મહિલા ગંભીર ભય, આઘાત અને માનસિક ત્રાસમાં આવી ગયા હતા.

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં રહેલા સુનિતાબેનને તાત્કાલિક સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ચિંતાજનક હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર બનાવ અંગે પીડિત મહિલાએ આહવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આરોપી સોમનાથભાઇ પવાર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આહવા પોલીસ સ્ટેશનના ASI પી.ટી. ઝીરવાળ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Exit mobile version